‘વર્ડ ઑફ ધી યર’ પસંદ કરવામાં ઑક્સફોર્ડ ડિક્શનરી પણ અટવાઈ, જાણો શા માટે

24 November, 2020 04:56 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

‘વર્ડ ઑફ ધી યર’ પસંદ કરવામાં ઑક્સફોર્ડ ડિક્શનરી પણ અટવાઈ, જાણો શા માટે

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય માણસ હોય કે સેલબ્ઝ કોરોના વાયરસ (COVID-19) મહામારીએ સહુને મૂંઝવણમાં મુકી દીધા છે અને તેમાંથી ઑક્સફોર્ડ ડિક્શનરી પણ બાકાત નથી. અસ્થિરતાભર્યા કોરોના વર્ષમાં ડિક્શનરી ‘વર્ડ ઑફ ધી યર’ની પસંદગી ના કરી શકી. તેણે બેમિસાલ 12 મહિના ગણાવતા “વર્ડ ઑફ ધી યર’ને બદલે ચાલુ વર્ષે શબ્દોની યાદી જારી કરી છે. ઑક્સફોર્ડ ડિક્શનરી પ્રકાશિત કરનાર કંપની ઑક્સફોર્ડ લેંગ્વેજિસે સ્વીકાર્યુ કે, મહામારીએ અંગ્રેજી ભાષા પર તાબડતોબ અને વ્યાપક અસર કરી છે.

પ્રેસિડેન્ટ કાસ્પર ગ્રેથવ્લોલ કહે છે કે, અમે ભાષાની દૃષ્ટિએ આવું વર્ષ ક્યારેય જોયું નથી. દર વર્ષે અમારી ટીમ સેંકડો નવા શબ્દો અને તેના પ્રયોગો ઓળખી કાઢે છે પણ 2020એ અમને નિ:શબ્દ કરી દીધા. તેમાં એટલા બધા નવા શબ્દો આવી ગયા કે પસંદગી કરવી મુશ્કેલ થઈ ગઈ. ખરેખર ઑક્સફોડ લેંગ્વેજિસ દર વર્ષે અંગ્રેજી ભાષાનો એવો શબ્દ પસંદ કરે છે જેનો ઉપયોગ દુનિયાભરમાં વ્યાપક રીતે વધ્યો હોય. આ ઑક્સફોર્ડના 1100 કરોડ શબ્દસંગ્રહમાંથી પસંદ કરાય છે. અત્યાર સુધી સેલ્ફી, વેપ અને અનફ્રેન્ડ, ટૉક્સિક શબ્દની પસંદગી કરાઈ. ગત વર્ષ આ ક્લાઈમેટ ઈમરજન્સી હતું પણ 2020 આવ્યું અને કંપની એક શબ્દ પસંદ ન કરી શકી.

કંપનીના હેડ ઑફ પ્રોડક્ટ કેથરીન કોન્નોર માર્ટિન કહે છે કે, ચાલુ વર્ષે ‘પેનડેમિક’ શબ્દનો ઉપયોગ 57000% વધી ગયો. ‘કોરોના વાયરસ’ શબ્દ સૌથી પહેલાં 1968માં વપરાયો હતો અને મેડિકલ સંદર્ભથી બહાર ખૂબ જ ઓછો વપરાયો પણ ચાલુ વર્ષે તેનો ઉપયોગ વધી ગયો. એપ્રિલમાં તે સૌથી વધુ વપરાયેલા શબ્દ ‘ટાઈમ’થી પણ આગળ નીકળી ગયો. જાન્યુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મહાભિયોગના સમાચારને લીધે ‘ઈમ્પિચમેન્ટ’ શબ્દ પ્રચલિત હતો પણ એપ્રિલ આવતા-આવતા ‘કોરોના વાયરસ’ આગળ નીકળી ગયો. જ્યારે મે મહિનાના અંતે ‘બ્લેક લાઈવ્સ મેટર’, ‘જૂનટેન્થ’ જેવા શબ્દોનો પ્રયોગ વધ્યો. તે સમયે ‘પેનડેમિક’ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો નહોતો. ગત વર્ષના ‘વર્ડ ઑફ ધી યર’ ‘ક્લાઈમેટ ઈમરજન્સી’નો ઉપયોગ મહામારી વકરતાં જ 50 ટકા સુધી ઘટી ગયો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મહામારીમાં ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ કે ‘ફ્લેટન ધ કર્વ’ જેવા શબ્દો પણ ઘેર-ઘેર બોલાવા લાગ્યા. ‘લૉકડાઉન’ અને ‘સ્ટે-એટ-હોમ’ જેવા વાક્યનો ઉપયોગ વધ્યો. અગાઉ રિમોટ, વિલેજ, આઈલેન્ડ અને કન્ટ્રોલ જેવા શબ્દો સાથે સાથે સંભળાતા હતા પણ હવે લર્નિંગ, વર્કિંગ અને વર્ક ફોર્સ સાથે સંભળાય છે. ચાલુ વર્ષે શબ્દો પણ ભયભીત રહ્યા. જોકે 2021 વધારે આનંદપૂર્ણ, સકારાત્મક શબ્દો લાવશે.

ઑક્સફોર્ડની યાદી પર કોરોનાનો પ્રભાવ રહ્યો. તેમાં એન્ટિ-વેક્સર (વેક્સિનનો વિરોધી), એન્ટિ માસ્કર (માસ્ક વિરોધી), એન્થ્રોપોઝ (ફરવા અંગે વૈશ્વિક પ્રતિબંધ), બીસી (બિફોર કોવિડ), બ્લેક લાઈવ્સ મેટર, બબલ, કોવિડિએટ (કોરોના ગાઈડલાઈન ન માનનાર), ફ્લેટન ધ કર્વ, ટ્વિન્ડેમિક (બે મહામારી એક સાથે ત્રાટકવી), અનમ્યૂટ (માઈક્રોફોન ઓન કરવું), વર્કેશન (રજાઓમાં કામ કરવું), ઝૂમબોમ્બિંગ (વીડિયો કોલમાં ઘૂસણખોરી કરવી) જેવા શબ્દો સામેલ છે.

coronavirus covid19 international news