ઓનલાઈન ક્લાસ શરૂ થતા અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડવા કહ્યું

07 July, 2020 11:40 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ઓનલાઈન ક્લાસ શરૂ થતા અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડવા કહ્યું

અમેરિકામાં લગભગ બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ છે

વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં જાણે દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અમેરિકાના એક નિર્ણયે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન સરકારે કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓના તમામ ક્લાસ ઓનલાઈન કરવામાં આવ્યા છે તેમને હવે અમેરિકામાં રહેવાની જરૂર નથી તેઓ હવે પોતાના દેશ પરત જઈ શકે છે. અમેરિકન સરકારના આ નિર્ણયથી કુલ દસ લાખ વિદ્યાર્થીઓની મુશ્કેલી વધશે. તેમા બે લાખ ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ છે. અમેરિકામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીનથી આવે છે અને ત્યારબાદ બીજો નંબર ભારતીય વિદ્યાર્થીઓનો છે.

યુએસ ઈમિગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે, કોરોના વાઈરસના કારણે ઉભી થયેલી સ્થિતિના કારણે આ પગલુ ભરવાનો નિર્ણય લીધો છે. ડિપાર્ટમેન્ટે તેમના નિવેદનમાં કહ્યું છે કે, એવા વિદ્યાર્થીઓ કે જેમના દરેક ક્લાસ ઓનલાઈન થઈ ગયા છે તેઓ હાલ અમેરિકામાં નહીં રહી શકે. જો તેઓ એવું કરશે તો તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. અમેરિકન વિદેશ વિભાગ તે વિદ્યાર્થીઓને હાલ વિઝા નહીં આપે જેમના ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન પરમિટ પણ આ વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં નહીં આવે. F-1 સ્ટૂડન્ટ એકેડેમિક કોર્સ વર્ક જ્યારે M-1 વોકેશનલ ફોર્સ વર્ક વાળા ક્લાસ એટેન્ડ કરે છે.

કોરોના વાયરસ મહામારીના લીધે અત્યારસુધી અમેરિકન કોલેજ અને યુનિવર્સિટીએ સેમિસ્ટરનો પ્લાન જાહેર નથી કર્યો. જોકે, અભ્યાસ માટે તેઓ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. હાવર્ડ યુનિવર્સિટીએ તેમના દરેક ક્લાસ ઓનલાઈન શરૂ કરી દીધા છે. યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 40 ટકા અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કેમ્પસમાં આવવાની મંજૂરી અપાશે. પરંતુ તેની માહિતી પણ ઓનલાઈન આપવામાં આવશે.

coronavirus covid19 international news united states of america