વિશ્વના 195 દેશો કોરોનાની ચપેટમાં: 16થી વધુનાં મોત, સૌથી વધુ ઇટલીમાં

25 March, 2020 01:12 PM IST  |  Washington/Rome | Agencies

વિશ્વના 195 દેશો કોરોનાની ચપેટમાં: 16થી વધુનાં મોત, સૌથી વધુ ઇટલીમાં

પ્રતીકાત્મક તસવીર

દુનિયાના ૧૯૫ દેશોમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. એના કારણે ૧૬,૫૧૦ લોકોનાં મોત થયાં છે. ૩,૭૮,૦૪૨ લોકોને ઇન્ફેક્શન થયું છે, જ્યારે ૧,૦૨,૦૦૦ દરદીઓ સાજા પણ થયા છે. ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનમાં છ દિવસમાં એક નવો કેસ સામે આવ્યો છે. પાંચ દિવસ સુધી અહીં નવો કોઈ કેસ સામે આવ્યો ન હતો. જોકે સોમવારે અહીં સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે ઇટલીમાં સોમવારે ૬૦૧ લોકોનાં મોત થયાં છે. ઇટલી યુરોપનો સૌથી પ્રભાવિત દેશ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રિયિસોસે કહ્યું છે કે કોરોના વાઇરસની મહામારી ઝડપથી વધી રહી છે. એ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક લાખ સુધી કેસ પહોંચવામાં પહેલાં ૬૭ દિવસનો સમય લાગ્યો હતો, પરતું બે લાખ નવા કેસ થવામાં ૧૧ દિવસ અને ૨થી ૩ લાખ થવામાં માત્ર ૪ દિવસનો સમય લાગ્યો છે.

ઇટલીના નાગરિક સુરક્ષા વિભાગના પ્રમુખ એન્જેલો બોરેલીએ જણાવ્યું છે કે એક દિવસમાં ઇન્ફેક્શનના ૩૭૮૦ નવા કેસ નોંધાયા છે. ઇટલીના લોમ્બાર્ડીમાં કોરોનાનો સૌથી વધારે પ્રભાવ જોવા મળ્યો છે. ઇટલી સંપૂર્ણ રીતે લૉકડાઉન છે. દેશના અંદાજે ૬ કરોડ લોકો તેમના ઘરમાં કેદ છે.

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે એક જ દિવસમાં ૧૩૯ લોકોનાં મોત બાદ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે જરૂરી તબીબી પુરવઠો અને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો સંગ્રહિત કરવાનો આદેશ આપ્યો છે. દેશમાં આ પહેલી વાર છે જ્યારે એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે, જ્યારે અત્યાર સુધીમાં ૫૫૭ લોકોનાં મોત થયાં છે અને ૪૩,૮૪૭ કેસ પૉઝિટિવ છે. ન્યુ યૉર્ક શહેરમાં સૌથી વધારે ૯૯ લોકોનાં મોત થયાં છે ત્યાર પછી કિંગ્સ કાઉન્ટીમાં ૭૫ લોકોએ જીવ ગુમાવ્યો છે.

બ્રિટનમાં કોરોના વાઇરસથી મરનાર લોકોની સંખ્યા ૩૩૫ થઈ ગઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૯૬૭ નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પૉઝિટિવ કેસની સંખ્યા ૬૬૫૦ થઈ ગઈ છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં ૮૩,૯૪૫ લોકોની ટેસ્ટ કરાવવામાં આવી છે જેમાં ૭૭,૨૯૫ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૮ નવા કેસ સામે આવ્યા છે જેમાંથી ૭૪ લોકો વિદેશથી આવેલા છે. દેશમાં ચાર કેસ જ નોંધાયા છે. ડિસેમ્બરના અંતમાં ચીનના હુબેઈની રાજધાની વુહાનથી કોરોના વાઇરસની શરૂઆત થઈ હતી અને હાલમાં તેણે આખા વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધો છે. ચીનમાં કોરોનાથી ૩૨૭૦ લોકોનાં મોત થયાં છે અને ૮૧,૦૯૩ કેસ નોંધાયા હતા.

ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું છે કે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની પણ કોરોના વાઇરસની તપાસ કરાવવામાં આવી છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને સેકન્ડ લેડી કેરેન પેન્સની પણ તપાસ કરવામાં આવી છે. તે દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમેરિકામાં ઇન્ફેક્શનના અત્યાર સુધીમાં ૪૩,૭૩૪ કેસ નોંધાયા છે. ૫૫૩ લોકોનાં મોત થયાં છે. એક દિવસમાં ૧૪૦ લોકોનાં મોત થયાં છે.

coronavirus washington rome international news