Coronavirus: ચીને શોધ્યો Covid-19નો ઝડપી ઇલાજ, વધુ સંશોધન ચાલુ

01 April, 2020 09:23 PM IST  |  Beijing | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: ચીને શોધ્યો Covid-19નો ઝડપી ઇલાજ, વધુ સંશોધન ચાલુ

આ પ્રતિકાત્મક તસવીર છે.

ચીનનાં વૈજ્ઞાનિકોની એક ટીમે કેટલાક એવા એન્ટિબૉડિઝને અલગ તારવ્યા છે જે કોરોનાવાઇરસને કોષોમાં પ્રવેશતા રોકવામાં બહુ જ અસરકારક છે. બની શકે કે આ એન્ટીબૉડિઝ Covid-19ની સારવાર માટે અને તેને રોકવા માટે જરૂરી ટ્રિટમેન્ટ સાબિત થાય. હાલમાં કોરોનાવાઇરસની કોઇ એવી દવા નથી શોધાઇ જે તેનો નિયત ઉપચાર હોય. મૂળ ચીનથી શરૂ થયેલો કોરોનાવાઇરસ આજે વિશ્વમાં ઠેર ઠેર પહોંચ્યો છે અને 850000 લોકો તેનાથી સંક્રમિત છે તથા 42000નાં જીવ ગયા છે. ઇકોનોમિક ટાઇમ્સમાં આવેલા એક રિપોર્ટ અનુસાર ત્સિન્ઘુઆ યુનિવર્સિટી, બેઇજિંગનાં ઝાં લિંકીએ જણાવ્યું હતું કે તેમની ટીમે જે એન્ટીબૉડિઝ શોધ્યા છે તેનાથી બનેલી દવાનો ઉપયોગ અત્યારે ચાલતા બધાં જ ઉપચારો કરતાં વધારે સારી રીતે થઇ શકે છે.તેમણે પ્લાઝ્માનો ઉલ્લેખ કરી તેને બોર્ડરલાઇન ટ્રીટમેન્ટ તરીકે ઓળખાવી.

જાન્યુઆરીની શરૂઆતથી જ ઝાંગની ટીમ થર્ડ પિપલ્સ હૉસ્પિટલ, શેઝેનમાં Covid-19નાં જે દર્દીઓ સાજા થયા હતા તેમના શરીરમાં રહેલા એન્ટિબૉડિઝ પર પ્રયોગ કરતા હતા અને તેમણે 206 મોનોક્લોનલ એન્ટિબૉડિઝ જુદા પાડ્યા હતા જેમાં વાઇરસનાં પ્રોટીનને બાંધી દેવાની શક્તિ હતી. આ વૈજ્ઞાનિકોએ વાઇરસને કોષમાં રોકવાનો પ્રયોગ પણ આ એન્ટિબૉડિઝથી કરી જોયો તેવું રૉઇટર્સનાં ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યુ હતું. પહેલાં 20 એન્ટિબૉડિઝમાંથી ચાર વાઇરલ એન્ટ્રીને બ્લૉક કરી શક્યા હતા અને તેમાંથી બે તો બહુ જ અસરકારક નિવડ્યા હતા. હવે ટીમ એવા એન્ટિબૉડિઝની શોધમાં છે જે વાઇરસનો કોષ પ્રવેશ રોકવામાં સૌથી વધુ સક્ષમ હોય અને પછીથી તેનું મોટા પાયો ઉત્પાદન કરી પહેલાં તેનો ટેસ્ટ પ્રાણીઓ તથા બાદમાં માણસ પર કરવામાં આવશે. મેડિસિનનાં ક્ષેત્રે એન્ટિબૉડિઝનું મહત્વ પહેલાં પણ સિદ્ધ થઇ ચૂક્યું છે.એન્ટિબૉડિઝ કોઇ વેક્સિન નથી પણ જે વ્યક્તિને ચેપ લાગવાનું જોખમ હોય તેને બચાવવામાં ચોક્કસ મદદરૂપ થઇ શકે છે.કોઇપણ દવાને દર્દીઓ પર વાપરી શકાય તેની માન્યતા મળતાં બે વર્ષ જેટલો સમય લાગે છે પણ રોગચાળાને લીધે સંજોગો જલદી આગળ વધી શકે છે તેમ ઝાંગનું માનવું છે. જો કે અન્ય એક્સપર્ટ બેન કાઉલિંગના મતે આ ડ્રગનો ઉપયોગ વાઇરસનાં પેશન્ટ પર થાય તે પહેલાં ઘણાં પગલાં અનુસરવાની જરૂર છે. પરંતુ આવી સક્ષમ સારવારનું મળવું પણ બહુ ઉત્સાહની વાત છે.

coronavirus covid19 china international news beijing