ચીનમાં કોરોના વાઇરસનો હાહાકાર : 80 લોકોનાં મૃત્યુ

28 January, 2020 11:34 AM IST  |  Beijing

ચીનમાં કોરોના વાઇરસનો હાહાકાર : 80 લોકોનાં મૃત્યુ

કોરોના વાઇરસના ઉપદ્રવ પછી ચીનથી ભારત પાછા ફરેલા વિદ્યાર્થીને ચકાસણી માટે તરત જ પટના મેડિકલ કૉલેજ અૅન્ડ હૉસ્પિટલ લઈ જવાયો હતો. ચીનથી પાછો ફરેલો એ વિદ્યાર્થી બિહારની રાજધાની પટનાના જયપ્રકાશ નારાયણ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતર્યો હતો. તસવીરઃ પીટીઆઇ

ચીનના કોરોના વાઇરસે અમેરિકા સહિત અનેક દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. દુનિયાના તમામ દેશ એનો ઉકેલ શોધવાના પ્રયાસમાં લાગી ગયા છે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે ભારતમાં પણ કોરોના વાઇરસે પ્રવેશ કરી લીધો છે. રવિવારે જયપુરમાં કોરોના વાઇરસનો એક સંદિગ્ધ દરદી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જયપુરની સરકારી હૉસ્પિટલમાં દાખલ કોરોના વાઇરસથી પીડિત યુવક ચીનમાં અભ્યાસ કરતો હતો. ભારતમાં આવ્યા બાદ તેમાં કોરોના વાઇરસનાં લક્ષણ જોવાં મળ્યાં, ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બીજી તરફ, ચીનમાં કોરોના વાઇરસથી મરનારાઓની સંખ્યા વધીને ૮૦ થઈ ગઈ છે. બિહારના છપરાથી કોરોના વાઇરસના શંકાસ્પદની ખબર પડી છે. એમાં કોરોના વાઇરસ જેવાં લક્ષણ મળ્યાં છે. આ મહિલા દરદીને પટના મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ મોકલાઈ છે. જોકે રાહતની વાત એ છે કે દેશમાં હજી સુધી કોઈ પણ પૉઝિટિવ કેસ સામે આવ્યો નથી. ઉત્તરી અમેરિકામાં પાંચ દરદીઓમાં આ ઇન્ફેક્શન જોવા મળ્યું છે.

રાજસ્થાનના સ્વાસ્થ્યપ્રધાન ડૉ. રઘુ શર્માએ સવાઈ માનસિંહ (એસએમએસ) મેડિકલ કૉલેજ પ્રશાસનને ચીનથી એમબીબીએસનો અભ્યાસ કરી પરત ફરેલા સ્ટુડન્ટના કોરોના વાઇરસથી સંક્રમિત થવાની આશંકા પર તેમને તાત્કાલિક અલગ વૉર્ડ (આઇસોલેશન)માં રાખવા તથા તેના પૂરા પરિવારની સ્ક્રીનિંગ કરવાના નિર્દેશ આપ્યા છે. શર્માએ સંદિગ્ધ દરદીના નમૂના તાત્કાલિક પુણેસ્થિત નૅશનલ વાયરોલૉજી લૅબ મોકલવાના નિર્દેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાઇરસથી મરનારાઓની સંખ્યા ૮૦ થઈ ગઈ છે. બીજી તરફ વાઇરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૨૩૦૦ પહોંચવાની આશંકા છે. હુબેઈ પ્રાંતની રાજધાની વુહાન ૧.૧ કરોડની વસ્તીવાળું શહેર છે અને સંક્રમણનું મુખ્ય કેન્દ્ર છે. હુબેઈના મેયરે રવિવારે જણાવ્યું હતું કે ૫૬ લોકોનાં મોત થયાં છે અને ૧૯૭૫ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. એની સાથે શહેરમાં ૧૦૦૦ નવા દરદી થવાની આશંકા છે. મેયર ઝોઉ શિયાંવાંગે જણાવ્યું કે તેઓએ આ દાવો હૉસ્પિટલોમાં દરદીઓનું પરીક્ષણ અને ઑબ્ઝર્વેશનમાં રાખેલા લોકોના આધારે કરવામાં આવ્યો છે.

china international news