ચીનમાં 10,973 દર્દીઓ સારવારથી વાઇરસમુક્ત થયા

18 February, 2020 11:58 AM IST  |  China

ચીનમાં 10,973 દર્દીઓ સારવારથી વાઇરસમુક્ત થયા

પ્રતીકાત્મક તસવીર

ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે. જોકે ભારતે કોરોના વાઇરસ પર નોંધપાત્ર સફળતા મેળવી છે. કોરોના વાઇરસથી સંક્રમિત ત્રણેય ભારતીયો કોરોના વાઇરસથી મુક્ત થઈ ગયા છે. કેરળમાં કોરોના વાઇરસથી સંક્રમિત ત્રીજા દર્દીની પરિસ્થિતિમાં સુધારો નોંધાયા બાદ તેને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આ અગાઉ કેરળના બે દર્દીઓને કોરોના વાઇરસમાંથી મુક્ત થયા બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જેમાંથી એકની સારવાર કસારગોડના કંઝનગઢ સરકારી હૉસ્પિટલમાં ચાલી રહ્યો હતો જ્યારે બીજા દર્દીનો ઉપચાર અલપ્પુઝા મેડિકલ કૉલેજમાં ચાલી રહ્યો હતો. બન્ને દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો નોંધાયા બાદ તેમને હૉસ્પિટલમાંથી ઘરે જવા માટેની રજા આપી દેવામાં આવી હતી.

ચીનમાં કોરોના વાઇરસથી રવિવારે ૧૪૨ વધુ લોકો મોતને ભેટ્યા હતા, જેથી મૃતકોનો આંક વધીને ૧૭૭૫ સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના જણાવ્યા અનુસાર શનિવારથી આ કેસના નવા ૨૦૦૯ મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા જે એક દિવસ પહેલાં નોંધાયેલા ૨૬૪૧ કેસની સરખામણીએ ઓછા છે. કુલ ૭૧,૩૩૦ મામલા પ્રકાશમાં આવ્યા હતા જેમાંથી ૧૦,૯૭૩ દર્દીઓ સારવારથી વાઇરસમુક્ત થઈ ગયા છે.

કોરોના વાઇરસઃ જપાનમાં ફસાયેલ ક્રૂઝ શિપમાં ૯૯ લોકોનો રિપોર્ટ પૉઝિટિવ, પાંચ ભારતીયોનો રિપોર્ટ પૉઝિટિવ

જપાનમાં ફસાયેલી ક્રૂઝ શિપ ડાયમંડ પ્રિન્સેસમાં વધુ ૯૯ લોકોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ રીતે હવે જહાજ પર કોરોના વાઇરસથી પ્રભાવિત લોકોની સંખ્યા ૪૫૪ ઉપર પહોંચી છે. આ જહાજ પર ક્રૂ મેમ્બર્સ અને પૅસેન્જર્સની કુલ સંખ્યા ૩૬૦૦ છે. જપાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી ૧૭૨૩ લોકોની ચકાસણી કરવામાં આવી છે.

આ વાઇરસની ચપેટમાં આવેલા ૪૦ અમેરિકાના નાગરિકોને જપાનની હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચીન બાદ આ ક્રૂઝ પર જ સૌથી વધારે કેસ સામે આવ્યા છે જેમાં હજુ ઘણા લોકોની ચકાસણી બાકી છે. આ ક્રૂઝ પર અત્યાર સુધી પાંચ ભારતીયોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

china coronavirus international news