લંડનના સંશોધકનો દાવો

19 March, 2020 03:46 PM IST  |  Mumbai Desk

લંડનના સંશોધકનો દાવો

અમેરિકામાં ૨૭ માર્ચ સુધી સ્કૂલોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિણામે ક્રિસ્ટીયનબર્ગના એક બસ ડેપોમાં ઉભી રહેલી ૨૦૦ જેટલી બસો. (પી.ટી.આઇ.)

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાઇરસનો કેર આખી દુનિયા પર વર્તાયો છે. કોરોનાથી પોતાના નાગરિકોને બચાવવા માટે દુનિયાની તમામ સરકારો શકય એટલા તમામ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન એક બ્રિટિશ સંશોધનનો અહેવાલ સામે આવતાં અમેરિકા અને બ્રિટનની સરકારમાં સોપો પડી ગયો છે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં કોરોના વાયરસના કારણે અમેરિકામાં બાવીસ લાખ અને બ્રિટનમાં ૫ લાખ લોકોના મોત થઈ શકે છે. આ રિસર્ચ ઇમ્પિરિયલ કૉલેજ, લંડનમાં પ્રોફેસર નીલ ફર્ગ્યુસને ઇટલીના કોરોનાના આંકડાના આધારે કર્યું છે. બ્રિટિશ રિસર્ચ અહેવાલ સામે આવ્યા બાદ બ્રિટનના વડા પ્રધાન જોન્સને કોરોના સામે વધારે કડક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા એવા બ્રિટનમાં લોકો પોતાનાં ઘરોમાં જ રહેવા અને જુદી-જુદી બીમારીઓ સામે ઝઝૂમી રહેલા ૭૦ લાખ લોકોને પણ અલગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ફર્ગ્યુંસનની ટીમે કહ્યું છે કે જો આ બીમારીને અટકાવવાના ગંભીર પ્રયાસ કરવામાં ન આવ્યા તો બ્રિટનમાં પાંચ લાખ અને અમેરિકામાં ૨૨ લાખ લોકોનાં મોત થઈ શકે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પહેલાંના કોરોનાના પ્લાનથી લગભગ ૨,૫૦,૦૦૦ લોકોના મોત થઈ શકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેવાઓ પર પણ એની વિપરીત અસર પડશે.

ઈરાનથી વધુ ૨૦૫ ભારતીયો દિલ્હી પહોંચ્યા

કોરોનાથી ઈરાનમાં ૯૮૮ લોકો અત્યાર સુધી મોતને ભેટ્યા છે. અહીંથી ભારત સરકાર વધુ ૨૦૫ ભારતીયોને પરત લાવી છે જેમાં ૧૧૫ પુરુષ, ૮૫ મહિલા, પાંચ બાળકો છે. અત્યાર સુધીમાં ઈરાનથી ૫૯૧ લોકોને પરત લવાયા છે. ઈરાનમાં કુલ ૧૬,૦૦૦થી વધારે પૉઝિટિવ કેસ છે એમાં ૨૫૦ ભારતીયો છે. આ લોકોની સારવાર માટે ભારત સરકારે ડૉક્ટરોની ટીમ મોકલી છે.

ઇટલીમાં કોરોનાથી ૨૫૦૦થી વધુનાં મોત

ઇટલીમાં અત્યાર સુધી ૨૫૦૦થી વધુ મૃત્યુ કોરોના વાઇરસના કારણે થયા છે. મંગળવારે, ઇટલીના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં ૨૫૦૩ લોકોનાં મોત અને જ્યારે લગભગ ૩૧,૫૦૬ કોરોનાગ્રસ્ત છે. હાલમાં ઇટલીમાં ૨૬,૦૦૦થી વધુ કેસ પૉઝિટિવ છે અને લગભગ ૩૦૦૦ લોકો સાજા થઈ ગયા છે.

૧૬૫ દેશોમાં ઇન્ફેક્શનના ૧.૯૮ લાખ કેસ, ઇટલીમાં એક દિવસમાં ૩૬૮નાં મોત, ઇઝરાયલમાં સેના કમાન સંભાળશે

દુનિયામાં કોરોના વાઇરસથી ઇન્ફેક્ટેડ લોકોની સંખ્યા બુધવાર સવાર સુધી ૧,૯૮,૨૪૧ થઈ ગઈ છે. ૧૬૫ દેશ કોરોના વાઇરસથી પ્રભાવિત છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૮૦૦૦ થઈ ગઈ છે. ૮૧,૭૪૩ લોકોને ઇન્ફેક્શન થયા પછી તેઓ સાજા થઈ ગયા છે. હવાઈ ટાપુએ પર્યટકોને હાલ ન આવવાની ભલામણ કરી છે. ઇઝરાયલ સેનાને સ્થિતિ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં બુધવાર સુધી ૧૯૫૦ કેસ સામે આવ્યા છે અને ૭૧ લોકોનાં મોત થયાં છે.

લૉસ એન્જિલસની હૉસ્પિટલોમાં બ્લડની અછત સર્જાવા લાગી છે. કોરોનાના કારણે બ્લડ ડોનેશનમાં પણ ઘટાડો આવ્યો છે. ઇઝરાયલમાં ઇન્ફેક્શન રોકવા માટે શક્ય એટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સૈન્ય ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી નથી.

પાકિસ્તાનમાં બુધવાર સવાર સુધી કોરોના ઇન્ફેક્શનના કુલ કેસ ૨૩૭ થઈ ગયા છે. અત્યાર સુધી બે લોકોનાં મોત થયાં છે. મુશ્કેલીની વાત એ છે કે શંકાસ્પદ દરદીઓને ક્વૉરન્ટીન અથવા આઇસોલેટ કરવાની કોઈ વ્યવસ્થા નથી.

international news national news coronavirus covid19 london iran italy