Coronavirus Effect: થાઇલેન્ડની આ વેશ્યાઓ ગ્રાહક મેળવવા બેચેન છે

07 April, 2020 07:35 PM IST  |  Bangkok | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Effect: થાઇલેન્ડની આ વેશ્યાઓ ગ્રાહક મેળવવા બેચેન છે

થાઇલેન્ડમાં કર્ફ્યુને પગલે રાતના અર્થશાસ્ત્રને અંધારું વળગ્યું છે. તસવીર- એએફપી

શટડાઉન અને લૉકડાઉનને કારણે ભલભલા માર્કેટની પથારી ફરી ગઇ છે અને આવા સંજોગોમાં સેક્સ વર્કર્સનાં માર્કેટની હાલત પણ ખરાબ છે. થાઇલેન્ડનો પાર્ટી સિન સાવ ઠરી ગયો છે અને ઘણાં સેક્સવર્કર્સને બાર્સની બહાર આવી જઇને ખાલીખમ રસ્તાઓ પર ફાંફા મારવા પડી રહ્યા છે. આ વેશ્યાઓ ગભરાયેલી બહુ છે પણ તેમને ગ્રાહકોની પણ જરૂર છે જેથી તે પોતાનાં ભાડાં ભરી શકે.બેંગકોકથી પતાયા વચ્ચે આવેલા રેડ લાઇટ ડિસ્ટ્રીક્ટમાં નાઇટ ક્લબ્ઝ અને મસાજ પાર્લર બંધ થઇ જવાથી સન્નાટો છવાયેલો છે.વળી ટુરિસ્ટોની ગેરહાજરી પણ છે.આ સ્થિતિમાં લગભગ 30,000 વેશ્યાઓ કામ વગરની થઇ ગઇ છે અને કેટલાકને તો રોગચાળાનાં જોખમને વહોરી લઇને રસ્તે આવી જઇ ગ્રાહકો શોધવાની ફરજ પડી છે.

32 વર્ષની પીમ એક ટ્રાન્સજેન્ડર સેક્સવર્કર છે તેણે એએફપીને જણાવ્યું હતું કે, “મને વાઇરસની બીક લાગે જ છે પણ મારે મારા રૂમનું ભાડું ભરવાનું છે, ખોરાકનાં પૈસા જોઇએ છે એટલે મારે ન છૂટકો રસ્તે ફરીને પણ ગ્રાહકો શોધવા પડશે.” શુક્રવારથી થાઇલેન્ડમાં સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી કર્ફ્યુ લાગેલો હોય છે.બાર્સ અને રેસ્ટોરન્ટ્સ તો આ કર્ફ્યુ પહેલાં જ બંધ થઇ ગયા.બેંગકોકનાં ઘણાં સેક્સવર્કર્સ પાસે નોકરીઓ હતી અને બાર્સમાં રહેવાથી સલામતી પણ મળતી હતી.તેઓ ટિપ્સ માટે કામ કરતા અને જરૂર પડે તો ગ્રાહકો સાથે તેમના ઘરે પણ જતા.અચાનક કામનું સ્થળ જ બંધ થઇ જતા મોટાભાગની વેશ્યાઓ ઘરે આવી ગઇ છે અને આ સંકટ ટળે તેની રાહ જુએ છે. પીમ જેવા બીજા સેક્સવર્કર્સ પણ રસ્તે આવીને કામ શોધી રહ્યાં છે.ત્યાં સરકાર 24 કલાકનો કર્ફ્યુ લાદવા તૈયાર છે જેથી વાઇરસનો ફેલાવો અટકાવી શકાય કારણકે અત્યાર સુધીમાં ત્યાં કોરોનાવાઇરસનાં 2000 કેસ થઇ ચૂક્યા છે અને 20 મોત થઇ ચૂક્યાં છે.પીમને આ કર્ફ્યુ ભારે પડી રહ્યો છે કારણકે છેલ્લા દસ દિવસથી તેને એક પણ ગ્રાહક નથી મળ્યો અને બિલની સંખ્યા વધી રહી છે.

પીમની દોસ્ત એલિસ પણ ટ્રાન્સજેન્ડર સેક્સવર્કર છે અને તે પણ બારમાંથી બહાર રસ્તે આવી ગઇ છે. તે અઠવાડિયે 300-600 ડૉલર્સ કમાઇ લેતી હતી પણ અત્યારની વાત કરતા તે કહે છે, “બિઝનેસિઝ બંધ થયા તે સાથે મારી આવક પણ અટકી ગઇ.હોટેલને પૈસા નહીં આપીએ તો લાત મારીને તગેડી મુકશે.” ક્યારેક કોઇ રડ્યો ખડ્યો ટુરિસ્ટ વેશ્યાઓનાં ટોળા પાસે લટાર મારે છે અને પછી ઝડપથી પૈસા નક્કી કરી નજીકની હોટેલમાં ચાલ્યો જાય છે.

સેક્સ વર્કર્સ આમ પણ હાઇ રિસ્કમાં હોય છે અને હવે વાઇરસનો ફેલવો આ જોખમ વધારી રહ્યો છે.વર્ચ્યુઅલ લૉકડાઉનને ગણતરીમાં લઇને ઘણી વેશ્યાઓ ઘરે ચાલી ગઇ છે અને થાઇલેન્ડની રાતનું અર્થશાસ્ત્ર અંધારીયું થઇ ગયું છે.થાઇલેન્ડની નાઇટલાઇફનો બહુ મોટો હિસ્સો આ વેશ્યા વ્યવસાય સાથે સંકળાયેલો છે.થાઇલેન્ડની સરકાર અનૌપચારિક કામદારોને 5000 બાથ એટલે કે 150 અમેરિકી ડૉલર્સ આપે તેવી વકી છે જેથી તેમનો ખર્ચો નિકળે પણ વેશ્યાઓ પોતાની કામગીરીનો કોઇ પુરાવો ન આપી શકે એટલે તેઓ આ યોજનાનો લાભ નહીં મેળવી શકે.

ત્યાંના સેક્સવર્કર્સ સાથે કામ કરનાર ધી એમ્પાવર ફાઉન્ડેશન સંસ્થાને મતે મનોરંજન આપતા સ્થળો વર્ષે 6.4 બિલિયન ડૉલર્સ રળે છે અને તે બધા કોઇને કોઇ રીતે સેક્સ જ વેચે છે. વાઇરસને રોકવા લેવાયેલા પગલાંમાં સ્ત્રીઓ સૌથી વધુ હેરાન થાય છે કારણકે ઘણાં પરિવારોની સ્ત્રીઓ પેટિયું રળવા સેક્સ વ્યવસાયમાં ધકેલી દેવાય છે.સેક્સ વર્કર એલિસને લાગે છે કે સરકાર બહુ ધીમે કામ કરી રહી છે અને તેમના જેવા લોકો, જે સેક્સ ઉદ્યોગમાં કામ કરે છે તેમની સરકારને ફિકર નથી.તેણે કહ્યું કે તેને વાઇરસ કરતાં ભૂખે મરવાની વધારે બીક લાગે છે.

thailand international news coronavirus