મોદીને વીઝા નહીં આપવા અમેરિકામાં ૨૫ સંસદસભ્યોએ હિલેરી ક્લિન્ટનને અપીલ કરી

05 December, 2012 06:54 AM IST  | 

મોદીને વીઝા નહીં આપવા અમેરિકામાં ૨૫ સંસદસભ્યોએ હિલેરી ક્લિન્ટનને અપીલ કરી




અમેરિકાના ૨૫ જેટલા સંસદસભ્યોએ મોદીને વીઝા નહીં આપવા વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટનને અપીલ કરી છે.

આ સંસદસભ્યોનું કહેવું છે કે ગુજરાતમાં ૨૦૦૨નાં રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા મોદીએ પૂરતા પ્રયાસો કર્યા નથી એટલે તેમને વીઝાનો ઇનકાર થવો જોઈએ. અમેરિકી કૉન્ગ્રેસની પ્રતિનિધિસભાના સભ્યોએ ૨૯ નવેમ્બરે ક્લિન્ટનને પત્ર લખીને મોદીને વીઝા નહીં આપવાની અપીલ કરી હતી. 

રિપબ્લિકન પાર્ટીના સંસદસભ્યો જૉ પીટ્સ અને ફ્રાન્ક વુલ્ફે સોમવારે આ પત્ર જાહેર કર્યો હતો. તેમનું કહેવું હતું કે ‘ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત જનાદેશ મેળવવા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અમારું માનવું છે કે તેઓ અને તેમની સરકાર રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે વધુ પ્રયાસો કરે એ માટે અમે તેમને લગતી વીઝા પૉલિસી ચાલુ રાખવાની અપીલ કરી છે.’ આ બન્ને સંસદસભ્યોએ એમ પણ કહ્યું હતું કે ‘મોદી ફરી વાર વીઝાની માગણી કરે એવી શક્યતા છે, પણ ભારતમાં માનવ અધિકાર ભંગની અનેક ભયાવહ ઘટનાઓમાં તેમની સંડોવણીનો નર્દિેશ કરતા અહેવાલોને કારણે અમેરિકી સરકાર તેમને વીઝા આપે નહીં એવી અમારી વિનંતી છે.’