જેરુસલેમમાં આવેલું ખ્રિસ્તીઓનું સૌથી પવિત્ર ચર્ચ બંધ થઈ જાય એવી નોબત

03 November, 2012 10:08 PM IST  | 

જેરુસલેમમાં આવેલું ખ્રિસ્તીઓનું સૌથી પવિત્ર ચર્ચ બંધ થઈ જાય એવી નોબત



જેરુસલેમમાં આવેલું ખ્રિસ્તીઓનું સૌથી પવિત્ર ચર્ચ બંધ થઈ જાય એવી શક્યતા ઊભી થઈ છે. ‘ચર્ચ ઑફ હૉલી સેપલ્કર’ નામના આ ચર્ચે વર્ષોથી પાણીનું બિલ નથી ચૂકવ્યું એને કારણે ચર્ચનાં બૅન્ક-ખાતાં જપ્ત કરી દેવામાં આવ્યાં છે. ઇઝરાયલી કાયદા મુજબ કોઈ પણ ધાર્મિક સંસ્થા પાણીનું બિલ ભરવામાંથી મુક્ત નથી અને જે સંસ્થા બિલ નહીં ભરે એની સામે પગલાં લેવાઈ શકે છે. પાણી પુરવઠાની જવાબદારી સંભાળતી કંપનીએ આ કાયદાનો હવાલો આપતાં ચર્ચને બંધ કરી દેવાની ચેતવણી આપી છે જેને પગલે શ્રદ્ધાળુઓમાં નારાજગી ફેલાઈ છે. ઈસુ ખ્રિસ્તને શૂળી પર ચડાવ્યા બાદ આ જ ચર્ચમાં દફન કરવામાં આવ્યા હતા. દર વર્ષે દુનિયાભરમાંથી લાખો લોકો આ ચર્ચની મુલાકાતે આવે છે.

શુક્રવારે ખ્રિસ્તી અગ્રણીઓએ કહ્યું હતું કે ‘જો સમયસર જરૂરી પગલાં નહીં ભરવામાં આવે તો આ ચર્ચ બંધ થઈ જશે અને એવું ઇતિહાસમાં પહેલી વાર બનશે. ચર્ચે છેલ્લાં ૧૫ વર્ષથી પાણીનું બિલ નથી ચૂકવ્યું. અત્યારે બિલની રકમ ૨૩ લાખ ડૉલર (આશરે ૧૨ કરોડ ૩૭ લાખ રૂપિયા) થઈ ગઈ છે.’

ચર્ચના સંચાલકોએ રશિયા, ગ્રીસ, સાઇપ્રસ સહિતના દેશોને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે.