ચીને બનાવી વિશ્વની સૌપ્રથમ સ્પેસ પોસ્ટ-ઑફિસ

08 November, 2011 08:32 PM IST  | 

ચીને બનાવી વિશ્વની સૌપ્રથમ સ્પેસ પોસ્ટ-ઑફિસ



ચીને ગુરુવારે શેનઝોઉ-૮ નામના માનવરહિત સ્પેસક્રાફ્ટને સ્પેસ લૅબ મૉડ્યુલ ટિઆનગોન્ગ-૧ સાથે જોડ્યું હતું. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે તેમણે સ્પેસ પોસ્ટ-ઑફિસ શરૂ કરી છે. આ સ્પેસ પોસ્ટ-ઑફિસ ચીનની સ્પેસ લૅબમાં એટલે કે પૃથ્વીથી ૩૪૩ કિલોમીટર ઊંચાઈ પર આવેલી છે.

ચીનની સ્પેસ પોસ્ટ-ઑફિસ માટે બે સ્થળ નક્કી કરવામાં આવ્યાં છે. એક છે બીજિંગમાં આવેલું ઍરોસ્પેસ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર અને બીજું સ્થળ શેનઝાઉ-૮ સ્પેસક્રાફ્ટ. સ્પેસ પોસ્ટ-ઑફિસ પર લેટર મોકલવા માટે ૯૦૧૦૦૧ એવો પોસ્ટ કોડ પણ ડિક્લેર કરવામાં આવ્યો છે.

ચીનની પોસ્ટ-ઑફિસના જનરલ મૅનેજર લી ગુઓહુઆએ કહ્યું હતું કે ‘ભવિષ્યમાં અમે લોકો તરફથી લખવામાં આવેલા લેટર્સ અવકાશયાત્રીઓને પહોંચાડવા માટે સક્ષમ બનીશું. ચીનના સ્પેસ પ્રોગ્રામનો પ્રચાર કરતાં સ્ટૅમ્પ અને પરબીડિયાં પણ બહાર પાડવામાં આવશે.’

આ પોસ્ટ-ઑફિસ કઈ રીતે કામ કરશે?

જે લોકો એવું ઇચ્છતા હોય કે તેમના લેટર પર સ્પેસની પોસ્ટ-ઑફિસની તારીખનો સ્ટૅમ્પ મારવામાં આવેલો હોય તેમણે તેમનો લેટર સ્પેસ પોસ્ટ-ઑફિસના સરનામે મોકલી આપવાનો રહેશે. આ લેટર પરત મેળવવા માટે પરબીડિયાની અંદર પોાતાનું સરનામું લખેલું એક બીજું કવર નાખી એના પર જરૂરી સ્ટૅમ્પ-ટિકિટ લગાડીને મોકલવાનું રહેશે. આ બધા લેટર્સ ભેગા કરવામાં આવશે તથા ૨૦૧૨માં લૉન્ચ કરવામાં આવનારા શેનઝાઉ-૯ સ્પેસ ક્રાફ્ટ મારફત ચીનની સ્પેસ લૅબમાં મોકલી આપવામાં આવશે. અવકાશયાત્રીઓ આ લેટર્સ પર તારીખના સિક્કા મારી આપશે અને ત્યાર બાદ તેમને ફરી પૃથ્વી પર લાવી વહેંચી દેવામાં આવશે.

સ્પેસમાં પોસ્ટ મોકલવા માટેનું સરનામું : ચાઇના પોસ્ટ સ્પેસ ઑફિસ, બીજિંગ ઍરોસ્પેસ કમિશન ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર, હૈડિયન ડિસ્ટ્રિક્ટ, ૯૦૧૦૦૧, બીજિંગ, ચાઇના.