ચીનમાં કન્ટ્રોલ માટે કૅટ ઍન્ડ માઉસની ગેમ

29 November, 2022 10:28 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ભારે વિરોધ કરનારાઓ ચાઇનીઝ સોશ્યલ મીડિયા પર દેખાવોની પોસ્ટ્સ મૂકી રહ્યા છે, સરકાર એને ડિલીટ કરવામાં બિઝી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ભારે વિરોધ કરનારાઓ ચાઇનીઝ સોશ્યલ મીડિયા પર દેખાવોની પોસ્ટ્સ મૂકી રહ્યા છે, સરકાર એને ડિલીટ કરવામાં બિઝી છે, પરંતુ મજેદાર વાત એ છે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સની મદદથી ચીનની ગ્રેટ વૉલને વટાવીને ટ્‍વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ વિરોધના વિડિયો અને ફોટોગ્રાફ્સ સર્ક્યુલેટ થઈ રહ્યા છે

બીજિંગ : ચીનમાં શાંઘાઈથી બીજિંગ સુધી સર્વત્ર શાસક કમ્યુનિસ્ટ પાર્ટીની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન વ્યાપી ગયું છે. ઝીરો કોવિડ પૉલિસીના કારણે લોકોમાં જબરદસ્ત આક્રોશ છે.
દરમ્યાન, ચીનમાં ઇન્ટરનેટ યુઝર્સ અને સરકારી અધિકારીઓ દેશમાં ઝીરો કોવિડ પૉલિસીની વિરુદ્ધ ભારે દેખાવોને સંબંધિત કન્ટેન્ટ પર કન્ટ્રોલ માટે કૅટ ઍન્ડ માઉસ ગેમ રમવામાં બિઝી છે.
ચાઇનીઝ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ વીચેટ અને વીબો પર ચીનના શાસકો વિરુદ્ધ પ્રદર્શનના ફોટોગ્રાફ્સ અને વિડિયો ઝડપથી સર્ક્યુલેટ થઈ રહ્યા છે. જોકે, સરકારી અધિકારીઓ એને ડિલીટ કરે એ પહેલાં તો એને હજારો વ્યુઝ મળી ચૂક્યા હોય છે.

બૅરિકેડ્સ તોડતા, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગના રાજીનામાની માગણી કરતા અને વિરોધ-પ્રદર્શનના પ્રતીક તરીકે કોરા કાગળ બતાવતા લોકોના ફોટોગ્રાફ્સ અને વિડિયો ચાઇનીઝ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર શૅર કરવામાં આવી રહ્યા છે.

ગઈ કાલે ચાઇનીઝ સોશ્યલ મીડિયા પરથી શિનજિયાંગ અને બીજિંગ જેવા વિરોધ-પ્રદર્શનનાં મુખ્ય કેન્દ્રો માટે સર્ચ માટેની પોસ્ટ્સને ડિલીટ કરવામાં આવી હતી. મજેદાર વાત એ છે કે ડિલીટ કરવામાં આવેલી પોસ્ટને પોતે જોઈ હોવાનું જણાવતી પોસ્ટ્સને પણ ડિલીટ કરવામાં આવી રહી છે. વિરોધ-પ્રદર્શનના ડૉક્યુમેન્ટ્સ સમાન અનેક પોસ્ટ્સ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સની મદદથી ચીનની ગ્રેટ વૉલને વટાવીને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા પૉપ્યુલર વેસ્ટર્ન પ્લૅટફૉર્મ્સ પર શૅર કરવામાં આવી રહી છે.

નવ સંગઠનો દ્વારા ઑનલાઇન ખોટી માહિતી સામેની લડતના ભાગરૂપે શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ ફર્સ્ટ ડ્રાફ્ટ ન્યુઝના અસોસિએટ ઍડિટર સ્ટીવી ઝેંગે કહ્યું હતું કે ચીન કીવર્ડ્ઝના આધારે ચાઇનીઝ સોશ્યલ મીડિયા પરથી પોસ્ટ્સને ડિલીટ કરી રહી છે. જોકે ચીનની ગ્રેટ વૉલ વટાવીને જે માહિતી બહાર આવી રહી છે એ નોંધપાત્ર છે.
ઝેંગે કહ્યું હતું કે ઇન્ટરનેટ યુઝર્સ પોસ્ટ્સ ડિલીટ થઈ જાય એ પહેલાં એના સ્ક્રીનશૉટ્સ લઈ રહ્યા છે અને એ પછી ફરી એકબીજાને શૅર કરી રહ્યા છે. એને વેસ્ટર્ન સોશ્યલ મીડિયા પર પણ શૅર કરવામાં આવી રહી છે. આખરે એ પોસ્ટ્સ ફરીને પાછી ચીનમાં આવે છે.

આ વિરોધ-પ્રદર્શન અભૂતપૂર્વ શા માટે?

ચીનના ઘટનાક્રમ પર નજર રાખનારા વિશ્લેષકોનું કહેવું છે કે નાગરિકો દ્વારા વિરોધ-પ્રદર્શન એ અત્યંત દુર્લભ બાબત નથી. જોકે જે રીતે ચીનમાં એકસાથે એક જ બાબતે સર્વત્ર વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે એ અભૂતપૂર્વ છે. ચીનમાં આ પહેલાં કામદારો અને ખેડૂતોનાં વિરોધ-પ્રદર્શન થયાં છે. કેટલાક સંજોગોમાં સ્ટુડન્ટ્સનાં પણ વિરોધ-પ્રદર્શન થયાં છે. જોકે અત્યારે સમગ્ર દેશમાં અને તમામ ક્ષેત્રોના લોકો એકસાથે આવ્યા છે.

international news china beijing covid19 coronavirus