ચીની પુરુષો હવે કરી રહ્યા છે પ્રસુતિ પીડાની અનુભૂતિ

23 November, 2014 05:03 AM IST  | 

ચીની પુરુષો હવે કરી રહ્યા છે પ્રસુતિ પીડાની અનુભૂતિ


પોતાની પત્ની કે પ્રેમિકાએ બાળકને જન્મ આપવા માટે કેટલી પીડા સહન કરવી પડે છે એ પુરુષો ભાગ્યે જ સમજી-અનુભવી શકતા હોય છે, પણ ચીનમાં એક હૉસ્પિટલે પુરુષો લેબર પેઇન અનુભવી શકે એ માટેની સેવા શરૂ કરી છે. આર્ટિફિશ્યલ લેબર પેઇનની સેવાનો લાભ લેવા માટે ૧૦૦ પુરુષોએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે.

પૂર્વ ચીનના શેનડોન્ગ પ્રાંતની આઇમા હૉસ્પિટલમાં પુરુષોને પ્રસૂતિની પીડાનો અનુભવ મફતમાં કરાવવામાં આવે છે. આ માટે એક અઠવાડિયામાં બે સેશન યોજવામાં આવે છે. સોન્ગ સિલિંગ નામના એક યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે બાળક પેદા કરતાં પહેલાં પ્રસૂતિની પીડાનો અનુભવ કર્યો હતો. સોન્ગ સિલિંગે સાતમા લેવલ સુધી પ્રસૂતિની પીડા અનુભવી હતી.

પોતાના અનુભવને બયાન કરતાં સોન્ગ સિલિંગે જણાવ્યું હતું કે ‘પીડાને માપતી સોય આગળ વધી કે તરત જ મેં આંખો બંધ કરી લીધી હતી. મારો ચહેરો તંગ થઈ ગયો હતો. મારું હૃદય અને ફેફસાં ફાટી જશે એવું લાગતું હતું. સાતમા લેવલ સુધી પ્રસૂતિની પીડા સહન કર્યા બાદ મેં નર્સને ઇશારો કર્યો એટલે તેણે લેબર પેઇન આપતું મશીન બંધ કરી દીધું હતું.’

કેટલાક પુરુષો એવા પણ હતા કે આ મશીન શરૂ થતાંની સાથે જ હારી ગયા હતા. આર્ટિફિશ્યલ લેબર પેઇન આપવાનું કામ કરતી નર્સે જણાવ્યું હતું કે સ્ટિમ્યુલેટર મારફતે પ્રસૂતિની અસલી પીડાની તીવ્રતાની અદ્દલ અનુભૂતિ નથી કરાવી શકાતી, પણ પુરુષો પોતે આ પ્રક્રિયા દરમિયાન જે અનુભવે છે એને પામી જાય તો પોતાની પત્નીઓની સંભાળ વધુ સારી રીતે લઈ શકે.

વૂ જિયાન નામના એક પુરુષની પત્નીને ત્રણ માસનો ગર્ભ છે અને વૂ જિયાને દસમા લેવલ સુધી આર્ટિફિશ્યલ લેબર પેઇનનો અનુભવ કર્યો હતો. એ પછી વૂ જિયાને કહ્યું હતું કે આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પ્રસૂતિ બાબતનો મારો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો છે.

કેવી રીતે આપવામાં આવે છે આર્ટિફિશ્યલ લેબર પેઇન?

આ પ્રક્રિયામાં પુરુષની કમરના નીચેના હિસ્સામાં એક પૅડ ચીપકાવવામાં આવે છે. એ પૅડ ઇલેક્ટ્રોડ્ઝ સાથે જોડાયેલું હોય છે. ઇલેક્ટ્રોડ મારફતે પૅડમાંથી નિયંત્રિત કરન્ટ પસાર કરવામાં આવે છે. એથી પુરુષને દર્દનો અનુભવ થાય છે. કરન્ટનું લેવલ વધારી- ઘટાડીને પીડાની અનુભૂતિમાં વધારો-ઘટાડો કરવામાં આવે છે.

કોઈ સ્ત્રી તેના પહેલા બાળકને જન્મ આપતી હોય ત્યારે સામાન્ય રીતે પ્રસૂતિની પીડાનો ગાળો ૧૨થી ૧૪ કલાકનો હોય છે, જ્યારે બીજા બાળકની પ્રસૂતિ વખતે એ ૪થી ૬ કલાકનો થઈ જાય છે. આ દરમ્યાન તબક્કાવાર થતી પીડા બીજા કોઈ પણ દર્દની સરખામણીએ તીવ્ર હોય છે. તબીબો કહે છે કે માણસના શરીરનાં બધાં હાડકાં તૂટી જાય તો પણ લેબર પેઇનની જે તીવ્રતા છે એનો અનુભવ નથી થઈ શકતો.