પોતાની સૅટેલાઇટે ઝડપેલી તરતા પદાર્થની તસવીરની ખરાઈ કરવા ચીન હિન્દ મહાસાગરમાં જહાજ મોકલશે

22 March, 2014 10:30 PM IST  | 

પોતાની સૅટેલાઇટે ઝડપેલી તરતા પદાર્થની તસવીરની ખરાઈ કરવા ચીન હિન્દ મહાસાગરમાં જહાજ મોકલશે



દક્ષિણી હિન્દ મહાસાગરમાં તરી રહેલો નવો પદાર્થ ચીની સૅટેલાઇટે શોધી કાઢ્યો હતો. એ મલેશિયાના ગુમ થયેલા વિમાનનો કાટમાળ હોવાની સંભાવના છે.

મલેશિયાના સંરક્ષણ અને પરિવહનપ્રધાન હિશામુદ્દીન હુસેને જણાવ્યું હતું કે ‘ચીની સૅટેલાઇટે ઝડપેલી તસવીરો અનુસાર એ પદાર્થ ૨૨.૫ મીટર લાંબો અને ૧૩ મીટર પહોળો છે. એ પદાર્થ ગુમ થયેલા વિમાનનો કાટમાળ જ છે કે કેમ એ નક્કી કરવા માટે જહાજો મોકલવામાં આવી રહ્યાં છે. આ મામલે ચીન કોઈ નક્કર જાહેરાત કરશે એવી આશા છે.’

મલેશિયાના ગુમ થયેલા વિમાનને શોધવાની કવાયત ગઈ કાલે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી હતી. એને શોધવા માટે કામે લગાડવામાં આવેલાં પાંચ વિમાન તથા એક જહાજ દ્વારા સતત કામગીરી ચાલી રહી છે. ૨૬ દેશોની તપાસ ટીમોની સતત તપાસ છતાં ગઈ કાલ સુધી કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.

અમેરિકાએ સમુદ્રી તળમાં તપાસ કરી શકતાં ઉપકરણો આ શોધકાર્ય માટે ઉપલબ્ધ કરાવવાં જોઈએ એવી વિનંતી હિશામુદ્દીને અમેરિકાના સંરક્ષણપ્રધાન ચક હેગલને ફોન પર કરી હતી.

ચીને જણાવ્યું હતું કે સૅટેલાઇટે ઝડપેલી તસવીરો ૧૮ માર્ચની છે. ગાઓફેન-૧ નામના હાઈ-ડેફિનેશન અર્થ ઑબ્ઝર્વેશન સૅટેલાઇટ દ્વારા ૧૮ માર્ચના રોજ બપોરે બાર વાગ્યે ઝડપવામાં આવેલી તસવીરોનું સ્થળ ૧૬ માર્ચે જે સ્થળે સંભવિત કાટમાળ દેખાયો હતો એની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૧૨૦ કિલોમીટર દૂર આવેલું છે.