ચીનમાં કોરોના વાઇરસથી 26 લોકોનાં મોત: વુહાનમાં 25 ભારતીયો ફસાયા

25 January, 2020 12:54 PM IST  |  China

ચીનમાં કોરોના વાઇરસથી 26 લોકોનાં મોત: વુહાનમાં 25 ભારતીયો ફસાયા

કોરોના વાયરસ માટે ખાસ હૉસ્પિટલ - ચીનમાં ફેલાયેલા નવા વાયરસને કારણે અત્યાર સુધીમાં ૨૬ જણાના મૃત્યુ થયાં છે તેમ જ સેંકડો લોકો બીમાર પડ્યા છે આ નવા વાયરસનો ભોગ બનનારા લોકો માટે મધ્ય ચીનના વુહાનમાં ૧૦૦૦ ખાટલાની ક્ષમતા ધરાવતી એક હોસ્પિટલ બાંધવામાં આવી રહી છે. સત્વરે હોસ્પિટલ તૈયાર કરી શકાય તે માટે મોટી સંખ્યામાં ક્રેન અને અન્ય ઉપકરણો એકસાથે બાંધકામની સાઇટ પર કામ કરી રહ્યાં છે. તસવીર : પી.ટી.આઈ.

ભારતના ૨૫ વિદ્યાર્થીઓ ચીનના કોરોના વાઇરસથી પ્રભાવિત વુહાન શહેરમાં ફસાયા છે. વાઇરસને બહાર ફેલાવાથી રોકવા માટે વુહાનથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યાં ફસાયેલા ૨૫માંથી ૨૦ વિદ્યાર્થી કેરળના છે. કોરોના વાઇરસના ફેલાવાથી ભારત માટે પણ ચિંતાનું કારણ એટલા માટે છે કે લગભગ ૭૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ વુહાન અને એની આસપાસના વિસ્તારોમાં રહે છે, જેમાંથી મોટા ભાગના ચીની વિશ્વવિદ્યાલયોમાં મેડિકલનો અભ્યાસ કરે છે. ચીનમાં કોરોના વાઇરસે અત્યાર સુધીમાં ૨૬ લોકોના જીવ લઈ લીધા છે, જ્યારે ૮૩૦ લોકો આ વાઇસરથી પીડિત હોવાનું સામે આવ્યું છે.

મુંબઈમાં અધિકારીઓએ કહ્યું કે છેલ્લા ૬૦ કલાકમાં વુહાન અને ચીનના અન્ય ભાગમાંથી પાછા આવેલા પાંચ ભારતીયોની ઊંડી તપાસ ચાલી રહી છે. તેઓમાંથી બે જણને તાવ-શરદી છે એથી તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. અધિકારીઓએ કહ્યું કે તેમનામાં સામાન્ય તાવ અને શરદી સિવાય બીજા કોઈ વાઇરસનાં લક્ષણ દેખાતાં નથી. એપિડોમિયોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ આવટેએ કહ્યું કે આ બન્ને કોરોના વાઇરસથી મુક્ત છે.

ભારત સરકારે કહ્યું કે સાઉદી અરબમાં કામ કરનાર કેરળની એક નર્સ વાઇરસથી પ્રભાવિત થયાની આશંકા હતી, પરંતુ તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે તે બિલકુલ સ્વસ્થ છે. વિદેશ રાજ્યપ્રધાન વી. મુરલીધરને ગુરુવારે ટ્‌વીટ કરતાં કહ્યું હતું કે કેરળની એક નર્સ અસીર નૅશનલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જઈ કે લોકસભાના સંસદસભ્ય એન્ટો ઍન્ટનીએ સાઉદી અરબમાં ભારતીય દૂતાવાસના એક વૉ‌લન્ટિયર સાથે સાઉદી અરબની હૉસ્પિટલમાં દાખલ નર્સના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ કોરોના વાઇરસથી મુક્ત છે અને તેને જનરલ વૉર્ડમાં શિફ્ટ કરાઈ ચૂકી છે. ત્યાર બાદ સાઉદી અરબના ડૉક્ટરે પણ ટ્‌વીટ કરીને પુષ્ટિ કરી કે કેરળની આ નર્સને કોરોના વાઇરસ નથી. જોકે બીજી ૧૦૦ નર્સોની હજી પણ તપાસ ચાલી રહી છે.

કેરળમાં ઍરપોર્ટ પર પૂરતો બંદોબસ્ત કરી લેવાયો છે. દિલ્હી, મુંબઈ, કલકત્તાના ઍરપોર્ટ પર ચેકિંગની ચાંપતી વ્યવસ્થા કરાઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે સ્થિતિ પર તેઓ ગંભીરતાથી નજર રાખી રહ્યા છે. તેમણે બે હેલ્પલાઇન નંબર પણ રજૂ કર્યા છે.

china international news