ઑસ્ટ્રેલિયાના સૌથી જૂના આશ્રમમાં પણ થઈ હતી આસારામવાળી

03 December, 2014 05:59 AM IST  | 

ઑસ્ટ્રેલિયાના સૌથી જૂના આશ્રમમાં પણ થઈ હતી આસારામવાળી



ઑસ્ટ્રેલિયાના સૌથી જૂના આશ્રમમાં ત્રણ વર્ષની વયનાં બાળકોની વારંવાર જાતીય સતામણી કરવામાં આવી હતી અને આ અંગે કોઈને ફરિયાદ કરનાર બાળકની હત્યા કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. સેક્સ્યુઅલ અબ્યુઝના એક કેસની જાહેર સુનાવણીમાં ગઈ કાલે આ વાત બહાર આવી હતી.

ન્યુ સાઉથ વેલ્સના મૅન્ગ્રોવ માઉન્ટેનમાં આવેલા સત્યાનંદ આશ્રમના વડા સદ્ગત સ્વામી અખંડાનંદ સરસ્વતીએ ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ૧૧ બાળકોની જાતીય સતામણી કરી હોવાનું ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ વિશેના રૉયલ કમિશનને જણાવવામાં આવ્યું હતું. આ બાળકો આશ્રમમાં રહેતાં હતાં.

આશ્રમમાં સેક્સ્યુઅલ ઍક્ટિવિટીને પ્રોત્સાહિત કરવામાં આવતી ન હતી, પણ આશ્રમના સ્થાપક સરસ્વતીના ચેલા અખંડાનંદે ટીનેજ છોકરીઓની જાતીય સતામણી પણ કરી હતી. અખંડાનંદ સરસ્વતી ૧૯૭૪માં ભારતથી ઑસ્ટ્રેલિયા આવ્યા એ પછી તેમણે ૧૬ વર્ષની વયની એક છોકરી સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. સ્વામી અખંડાનંદે કરેલી જાતીય સતામણીનો ભોગ બનેલી આ છોકરીએ કમિશનને જણાવ્યું હતું કે હું તેમની ગુલામ કે માંસનો એક ટુકડો હોઉં એવી લાગણી મને થતી હતી.

સ્વામી અખંડાનંદ તેમની જાતીય સતામણીના શિકાર બનેલાં છોકરા-છોકરીઓને એવું કહેતા હતા કે તમારી આધ્યાત્મિક ઉન્નતિ માટે હું આ કામ કરી રહ્યો છું. એક પખવાડિયાના ગાળામાં ૨૫થી વધારે સાક્ષીઓ સ્વામી અખંડાનંદ સરસ્વતી વિરુદ્ધ પુરાવા આપવાના છે.

જાતીય સતામણીના આરોપસર સ્વામી અખંડાનંદ સરસ્વતીને ૧૯૮૯માં કારાવાસની સજા થઈ હતી, પણ ૧૯૯૧માં તેઓ જેલની બહાર આવી ગયા હતા. ૧૯૯૭માં કેઇન્ર્સમાં સ્વામી અખંડાનંદ સરસ્વતીનું મોત થયું હતું.