ભારતમાં વિધવાઓની બરાબર કાળજી નથી લેવાતી : ચેરી બ્લેર

13 December, 2011 09:13 AM IST  | 

ભારતમાં વિધવાઓની બરાબર કાળજી નથી લેવાતી : ચેરી બ્લેર

 

હાલમાં ચેરી વૃંદાવન આવ્યાં છે અને અહીં વિધવાઓની સ્થિતિ જોઈને તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં વિધવાઓની પૂરતી કાળજી નથી લેવાતી અને આ દિશામાં પ્રયાસો કરવાની જરૂર છે. અમારી સંસ્થા બિહાર અને ઝારખંડ જેવાં રાજ્યોમાં વિધવાઓની બહેતર સ્થિતિ માટે કામ કરી રહી છે અને એ દિશામાં વધુ સારી રીતે આગળ વધી શકાય એ માટે ભારત સરકાર સાથે જોડાણ કરવા અમારી સંસ્થા તૈયાર છે.’

ભારતમાં અને વૈશ્વિક સ્તરે વિધવાઓની સ્થિતિ વિશે મંતવ્ય આપતાં વૃંદાવનના વિધવાઓ માટેના બાલાજી આશ્રમની મુલાકાત બાદ ચેરી બ્લેરે કહ્યું હતું કે ‘ભારતમાં વિધવાઓની સ્થિતિ સુધારવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યાં છે એ પૂરતાં નથી. હાલમાં વૈશ્વિક સ્તરે ૨૫ કરોડ કરતાં વધુ વિધવાઓ અને તેમનાં ૫૦ કરોડ જેટલાં બાળકો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ભારતમાં મોટા ભાગની વિધવાઓ અપૂરતી તબીબી સુવિધાઓ અને સામાજિક સુરક્ષા વગર દયાજનક પરિસ્થિતિમાં જીવે છે.’