જર્મનીની આ રેસ્ટોરાંમાં મળે છે માત્ર પથ્થરયુગના ગુફામાનવોનું ફૂડ

31 October, 2011 08:23 PM IST  | 

જર્મનીની આ રેસ્ટોરાંમાં મળે છે માત્ર પથ્થરયુગના ગુફામાનવોનું ફૂડ



 

એ સમયે માનવી ગુફામાં રહેતો હતો એટલે સોવેઇજ રેસ્ટોરાંની ડિઝાઇન પણ કંઈક એ પ્રકારની જ બનાવવામાં આવી છે. ત્યાં કૅન્ડલ લાઇટ ડિનર લેવામાં આવે છે અને આસપાસની દીવાલો પર ગુફાઓનાં ચિત્રો દોરેલાં છે.
રેસ્ટોરાંનું નામ પણ એ મુજબ જ રાખવામાં આવ્યું છે. સોવેઇજ એક ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે જંગલી.

ત્યાંનું ફૂડ ઑર્ગેનિક અને અનપ્રોસેસ્ડ હોય છે. જમવામાં મુખ્યત્વે ફળ, શાકભાજી, માંસ, માછલી, કઠોળ, ધાન્ય અને જડીબુટ્ટીમાંથી બનેલી વાનગીઓ મળે છે. આ પ્રકારના ફૂડને પેલેઓલિથિક કહે છે.
સોવેઇજના બોરિસ લેઇટે જર્મન મૅગેઝિન ‘સ્પીગલ’ને જણાવ્યું હતું કે આ પ્રકારના ફૂડનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને ફાસ્ટ ફૂડને કારણે બીમાર પડી રહેલા અમેરિકનો આમાં સૌથી વધુ રસ લઈ રહ્યા છે.

વજન ઘટાડવા માટે ઉપયોગી

કૅવમૅન ડાયેટ (ગુફામાનવનું ભોજન) વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી બને છે. જોકે આ બાબતે મિશ્ર પ્રતિભાવો પ્રવર્તી રહ્યા છે. કેટલાક લોકોએ આ પ્રકારના ભોજનને કારણે તેમને ફાયદો થયો હોવાનો દાવો કર્યો છે, તો કેટલાક લોકો આ પ્રકારના આહારને લીધે વજનમાં જરાય ઘટાડો થયો ન હોવાનું જણાવ્યું છે.