આતંકવાદીઓએ 160 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા

17 December, 2014 03:35 AM IST  | 

આતંકવાદીઓએ 160 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા







પાકિસ્તાનના પેશાવરના આર્મી દ્વારા સંચાલિત પબ્લિક સ્કૂલમાં ગઈ કાલે તાલિબાની સુસાઇડ બૉમ્બરોએ આતંકની પરાકાષ્ઠા કરી શેતાનોનેય શરમાવે એવો રાક્ષસી હુમલો કરીને મોટા ભાગનાં બાળકો સહિત કુલ ૧૬૦ના જાન લીધા હતા અને અન્ય ૨૪૫ને ઘાયલ કર્યા હતા.પૅરા-મિલિટરીફ્રન્ટિયર કૉર્ઝના યુનિફૉર્મમાં સજ્જ થઈને છ અરેબિક સ્પીકિંગ ટેરરિસ્ટ પાકિસ્તાનના પેશાવરમાં વારસાક રોડ પરની આ સ્કૂલમાં સવારે દસેક વાગ્યે ઘૂસ્યા હતા અને ક્લાસરૂમ ટુ ક્લાસરૂમ ફરીને અંધાધૂંધ ગોળીબાર કરીને ભણી રહેલાં નિર્દોષ બાળકોને રહેંસી નાખ્યાં હતાં. હાલના સમયમાં ચોક્કસ આ દુનિયાનો સૌથી ક્રૂર આતંકવાદી હુમલો કહી શકાય, કેમ કે સ્કૂલમાં ઘૂસીને ભણી રહેલાં નિર્દોષ બાળકો પર ખૂનતરસ્યા આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો.

પાકિસ્તાની મિલિટરીએ આ વિસ્તારમાં ઘેરો ઘાલીને આતંકવાદીઓ સાથે યુદ્ધના ધોરણે બાથ ભીડી હતી અને સાંજે આતંકવાદીઓને ફૂંકી માર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આ શેતાનોએ સ્કૂલમાં મોતનું તાંડવ ખેલ્યું હતું. એક ટીચર અને એક વૉચમૅન સહિત ૧૬૦ના જાન લીધા હતા જેમાં લગભગ તમામ બાળકો હતાં. સ્કૂલમાં માસૂમ બચ્ચાંઓના મૃતદેહો જોઈને શેતાન પણ થથરી ઊઠે એવાં દૃશ્યો સર્જાયાં હતાં.

સ્કૂલમાં આતંકવાદી હુમલાના સમાચારો ફેલાતાં પેરન્ટ્સ પણ દિવસભર સ્કૂલની બહાર ટળવળતા હતા. બંદૂકો અને બૉમ્બધડાકાઓથી બધાના જીવ તાળવે ચોંટી રહ્યા હતા. કેટલાંય ઘાયલ બાળકોને બહાર લાવવામાં આવ્યાં બાદ તેમને તત્કાળ સારવાર માટે હૉસ્પિટલો સુધી પહોંચાડવાનું પણ ખાસ ઑપરેશન હાથ ધરવું પડ્યું હતું. પેશાવર દિવસભર જાણે કે યુદ્ધનું મેદાન બની રહ્યું હતું. સરકારે પેશાવરની હૉસ્પિટલોમાં ઇમર્જન્સી જાહેર કરીને તમામ કામ પડતાં મેલીને ઈજાગ્રસ્તોની સારવાર માટે મેડિકલ સ્ટાફને હાજર થવાના આદેશો છોડ્યા હતા. સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્તોમાં કેટલાય ગંભીર હાલતમાં હોવાથી મરણાંક વધવાની શક્યતા છે.

આઠ કલાકના આ ખૂની ખેલની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન નામના આતંકવાદી સંગઠને લીધી હતી. પાકિસ્તાની આર્મી સામે બચવા આતંકવાદીઓ ઢાલ તરીકે સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચર્સને આગળ ધરી દેવાની હદ સુધી ગયા હતા અને આખરે મિલિટરીની ધોંસ વધતાં ચાર આતંકવાદીએ પોતાની જાતને બૉમ્બથી ઉડાવી હતી, જ્યારે બે આતંકવાદીઓને પાકિસ્તાની મિલિટરીએ ફૂંકી માર્યા હતા.

આ ખતરનાક આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં ૨૦૦૮થી સક્રિય છે અને આ પહેલાં પણ કરાચીમાં સુસાઇડ બૉમ્બિંગથી ૧૫૦ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા હતા. તાલિબાનના આતંકી પ્રવક્તાએ દાવો કર્યો હતો કે ‘પેશાવર નજીકના ટ્રાઇબલ એરિયા નૉર્થ વઝીરિસ્તાનમાં ઘૂસણખોરો વિરુદ્ધ મિલિટરી ઑપરેશન્સ કરવામાં આવ્યાં હતાં એનો બદલો અમારા છ સુસાઇડ બૉમ્બરોએ આર્મી સ્કૂલમાં હુમલો કરીને લીધો છે. અમને કેટલું દર્દ થયું છે એનો આ હુમલાથી મિલિટરીને અનુભવ કરાવવાનો અમારો ઇરાદો છે.’

પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર નવાઝ શરીફે આ હુમલાને નૅશનલ ટ્રૅજેડી (રાષ્ટ્રીય કરુણાંતિકા) કહીને વખોડ્યો હતો અને પેશાવરમાં સિક્યૉરિટી મીટિંગ કરી હતી જેમાં ઑફિસરોએ તેમને આ હુમલો અને ઑપરેશનની વિગતો આપી હતી. નવાઝ શરીફે કહ્યું હતું કે ‘દેશના પછાત વિસ્તારોમાંથી આતંકવાદીઓને વીણી-વીણીને સાફ કરવાનું મિલિટરી ઑપરેશન ‘ઝર્બ-એ-અઝ્બ’ ચાલુ જ રહેશે. આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું છે અને દેશે આતંકવાદ સામે એક થઈને લડવું પડશે.’

આ હુમલામાં માર્યા ગયેલા લોકો અને ખાસ તો નિર્દોષ બાળકોને શ્રદ્ધાંજલિરૂપે પાકિસ્તાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ રાહીલ શરીફ પણ આ મિલિટરી ઑપરેશનના મૉનિટરિંગ માટે પેશાવરમાં દિવસભર હાજર રહ્યા હતા.

તાલિબાનની ગોળીઓનો ભોગ ન બનવા ઈજાગ્રસ્ત સ્ટુડન્ટે કેવી ટ્રિક અજમાવી?


પેશાવરની આર્મી સ્કૂલમાં તાલિબાનના ખતરનાક હુમલામાં બન્ને પગમાં ગોળીઓ વાગ્યા છતાં બચી ગયેલા ૧૬ વર્ષના સ્ટુડન્ટ સલમાને લેડી રીડિંગ હૉસ્પિટલના બિછાનેથી આતંકવાદીઓની ગોળીઓનો ભોગ ન બનવા માટે કેવી ટ્રિક અજમાવી હતી અને આ હુમલો કેટલો ખતરનાક હતો એનું હિંમતપૂર્વક વર્ણન કરતાં કહ્યું હતું કે ‘હુમલાખોરો મોતનું તાંડવ ખેલ્યા બાદ પણ ક્લાસે-ક્લાસે ફરીને કોઈ જીવિત હોય તો તેને મારી નાખવા માટે ફરતા હતા. મારા બન્ને પગમાં ગોળીઓ વાગી હતી એથી અસહ્ય દર્દ થતું હતું, પરંતુ જાણે હું મરી ગયો હોઉં એવી ઍક્ટિંગ કરવા અને ભૂલથી પણ મારા મોઢામાંથી કણસવાનો અવાજ નીકળી ન જાય એથી હું મારા મોઢામાં ટાઈ ઘુસાડીને મરી ગયો હોઉં એ રીતે પડ્યો રહ્યો હતો.’

સલમાને કહ્યું હતું કે ‘કરીઅર ગાઇડન્સ સેશનમાં અમારો ક્લાસ સ્કૂલના ઑડિટોરિયમમાં હતો ત્યારે અચાનક ચાર ગનમૅન પૅરામિલિટરી ફોર્સીસના ડ્રેસ પહેરીને પ્રવેશ્યા હતા. અચાનક કોઈકનો અવાજ આવ્યો કે નીચા નમી જાઓ અને ડેસ્ક્સની નીચે છુપાઈ જાઓ. ત્યાં જ ગનમેનોએ અલ્લાહો અકબરનો નારો લગાવી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એમાંથી એકે કહ્યું હતું કે બેન્ચિસની નીચે ઘણાં બાળકો છે, ચલાવો ગોળીઓ. મારા બન્ને પગમાં ગોળી વાગી હતી, પરંતુ આતંકવાદીઓ જીવતા રહી ગયેલાઓને ખોળવા આવ્યા એ જોઈને મોઢામાંથી દર્દની ચીખ ન નીકળી જાય એટલે ટાઈનો ડૂચો મોંમાં ભરાવી દઈને મરી ગયો હોઉં એ રીતે આંખો મીંચીને પડી રહ્યો હતો. પછી શું થયું એનું ભાન નહોતું રહ્યું. ફરીથી આંખ ખૂલી ત્યારે હૉસ્પિટલમાં હતો. બેન્ચની નીચેથી અહીં કેવી રીતે પહોંચ્યો એની મને ખબર નથી.’

નજરે જોનારાઓ શું કહે છે?

પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલમાં આતંકવાદી હુમલાની ચોંકાવનારી હકીકતો બચી જનારા સ્ટુડન્ટ્સે પોતાની કાલીઘેલી ભાષામાં અને અન્ય કેટલાક સાક્ષીઓએ વર્ણવી હતી. આ ક્રૂર હુમલો નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે સુસાઇડ બૉમ્બરો ક્લાસેક્લાસમાં ફરતા હતા અને નિર્દોષ બાળકો પર અંધાધૂંધ ગોળીબાર કરતા હતા. ધાણીફૂટ ગોળીબારનો અવાજ સાંભળીને જે બાળકો જાન બચાવવા દોડીને ક્લાસની બહાર નીકળતાં હતાં તેમને પણ આતંકવાદીઓએ નિશાન બનાવ્યાં હતાં.

ફાયરિંગ શરૂ થયા બાદ કેટલાક ક્લાસમાં ટીચર્સે સ્ટુડન્ટ્સને જમીન પર સૂઈ જવાની સૂચના આપી હતી અને પોલીસ અને મિલિટરીએ અંદર ઘૂસીને તેમને બહાર કાઢ્યા હતા. આ સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે બહાર નીકળતી વખતે અમે પરિસરમાં બધે જ બાળકોના મૃતદેહો રઝળતા જોયા હતા.

સ્કૂલના એક લૅબ-અસિસ્ટન્ટે કહ્યું હતું કે આતંકવાદીઓ ક્લાસે-ક્લાસે ફરીને ગોળીબાર કરતા હતા. તેમના હાથમાં મોટી-મોટી બંદૂકો હતી. લગભગ એકાદ કલાક બાદ મિલિટરીએ અમને બચાવ્યા હતા. એક સ્ટુડન્ટના જણાવ્યા પ્રમાણે ફાયરિંગનો અવાજ આવતા ટીચર્સે કહ્યું હતું કે આ તો મિલિટરીની ડ્રિલ હશે, પરંતુ ત્યાર બાદ ખબર પડી હતી કે આંતકવાદીઓ સ્કૂલમાં ઘૂસ્યા હતા.

આ સ્કૂલના બસ-ડ્રાઇવર જમશેદ ખાને કહ્યું હતું કે અમે બહાર ઊભા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ કાને પડ્યો હતો અને સ્ટુડન્ટ્સ અને ટીચર્સની રાડારાડી પણ શરૂ થઈ હતી. ત્યાર બાદ ભાગદોડ શરૂ થઈ હતી.’

શું છે આ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન?


પાકિસ્તાની મિલિટરીના ઝર્બ-એ-અઝ્બ અને ઑપરેશન ખૈબર-૧નો બદલો લેવા માટે સ્કૂલ પર હુમલો કર્યાનો દાવો

પાકિસ્તાનના પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલમાં આતંકવાદી ઘટનાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન નામના કટ્ટરપંથી આતંકવાદી સંગઠને સ્વીકારી હતી. આ સંગઠનના પ્રવક્તા મોહમ્મદ ખોરસાનીએ કહ્યું હતું કે પાકિસ્તાની મિલિટરીએ ઝર્બ-એ-અઝ્બ અને ઑપરેશન ખૈબર-૧ હાથ ધર્યા હતાં એનો બદલો લેવા આ સ્કૂલ પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના પછાત વિસ્તારોમાં તાલિબાની ગઢ બની ચૂકેલા કેટલાય વિસ્તારોમાં પાકિસ્તાની લશ્કરે આ બે ઑપરેશનો હાથ ધર્યા હતાં.

શું છે ઝર્બ-એ-અઝ્બ?

પાકિસ્તાની લશ્કરે ૧૫ જૂન પછી પેશાવર નજીક ઉત્તરી વઝીરિસ્તાનમાં આ ઑપરેશન શરૂ કર્યું હતું અને છ મહિનામાં લગભગ ૧૨૦૦ આતંકવાદીઓને ઉડાવી દીધા છે. પાકિસ્તાની સરકારે આ ઑપરેશન માટે લશ્કરને ૨૬ અબજ રૂપિયાનું બજેટ ફાળવેલું છે. ઑપરેશન દરમ્યાન ૧૦ લાખ લોકોને અન્યત્ર વસાવવાના છે. વઝીરિસ્તાન કાબુલી છે અને કાબુલીઓ તાલિબાનના વિરોધમાં લશ્કરની મદદ કરતા હોવાથી તાલિબાનોને મોટું નુકસાન થાય છે.

ખૈબર-૧ ઑપરેશન


૧૭ ઑક્ટોબરથી શરૂ થયેલા આ ઑપરેશનમાં અત્યાર સુધીમાં ૪૦૦ આતંકવાદીઓએ લશ્કર સામે સરેન્ડર કર્યું છે. આ ઑપરેશન આમ તો ઝર્બ-એ-અઝ્બમાં બચીને નાસી ગયેલા અને પહાડી વિસ્તારોમાં છુપાતા ફરતા આતંકવાદીઓને વીણી-વીણીને સાફ કરવા માટેનું છે. લગભગ ૧૨ તાલુકાઓમાં આ ઑપરેશન ચાલી રહ્યું છે અને એમાં પણ કેટલાય આતંકવાદીઓને હણવામાં આવ્યા છે.