ખેડૂત આંદોલન: કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ કહ્યું, સ્થિતિ ચિંતાજનક

01 December, 2020 05:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ખેડૂત આંદોલન: કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ કહ્યું, સ્થિતિ ચિંતાજનક

ફાઈલ તસવીર

ભારતમાં નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. ભારતમાં ખેડૂતોના આ પ્રદર્શનને લઈ કેનેડા (Canada)ના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો (Justin Trudeau)એ ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિન ટ્રૂડોએ આ પ્રદર્શનની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પર ભારત સરકારને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ટ્રૂડોએ કહ્યું છે કે ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે અને કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની રક્ષા કરશે.

જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, હું ખેડૂત પ્રદર્શનને લઈ ભારતથી આવી રહેલા સમાચારો પર નજર ન કરતો તો તેના પ્રત્યે બેદરકાર જ રહેતો. સ્થિતિ ચિંતાજનક છે. અમે તમામ પરિવારો અને દોસ્તોને લઈ ચિંતિત છીએ. હું આપ સૌને યાદ અપાવી દઉં કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે વાતચીતની પ્રક્રિયા પર વિશ્વાસ રાખીએ છીએ. અમે અનેક રીતે આ સંબંધમાં ભારતીય પક્ષની સામે અમારી ચિંતાઓ વ્યક્ત કરી છે. આ આપણા સૌ માટે સાથે ઊભા રહેવાની અને એક બીજાને સાથ આપવાની ક્ષણ છે.

નોંધનીય છે કે, રવિવારે ટોરેન્ટોમાં પણ ભારતમાં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શનના સમર્થનમાં લોકોએ રેલી આયોજિત કરી હતી.

આ ઉપરાંત બ્રિટનની લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ધેસીએ ખેડૂતોને મારવાનો ઉલ્લેખ કરતાં ટ્વીટ કર્યું હતું કે, હું અમારા પરિવાર અને દોસ્તો સહિત પંજાબ અને ભારતના અન્ય હિસ્સાના ખેડૂતોની સાથે ઊભો છું, જે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યાં છે.

લેબર પાર્ટીના જ સાંસદ જૉન મેકડૉનેલે કહ્યું કે, હું તનમનજીત સિંધી ધેસી સાથે સહમત છું. શાંતિપૂર્ણ પ્રદર્શનકર્તાઓ વિરુદ્ધ આ પ્રકારનું દમન અસ્વીકાર્ય છે અને ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.

international news canada justin theroux