બ્રિટનમાં નવું દોઢ મહિનાનું લૉકડાઉન

06 January, 2021 02:52 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં નવું દોઢ મહિનાનું લૉકડાઉન

બ્રિટનમાં ગઈ કાલથી દોઢ મહિનાનું લોકડાઉન લગાવતા સાવ ભેંકાર ભાસતું લંડનની લીડનહોલ માર્કેટ (તસવીર: એએફપી)

બ્રિટનમાં વડા પ્રધાને નવું ‘સ્ટે ઍટ હોમ લૉકડાઉન’ જાહેર કરતાં ચિંતાતુર બ્રિટિશરોએ એકાંતવાસના વધુ આકરા નિયમો પાળવાના રહેશે. વડા પ્રધાન બોરિસ જૉન્સને જણાવ્યું હતું કે જે ગતિ અને આક્રમકતાથી નવો વાઇરલ સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે એ જોતાં ચિંતા, ભય અને હતાશાની લાગણી થાય છે. રોગચાળાના ગાળામાં હૉસ્પિટલો પર સૌથી વધારે દબાણની સ્થિતિ ન્યુ વાઇરલ સ્ટ્રેનને કારણે પેદા થઈ છે. 

ગઈ કાલે લૉકડાઉનની નવી માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. એ સૂચનાઓ અનુસાર સ્કૉટલૅન્ડમાં કાયદેસર રીતે સ્કૂલો અને વેપારધંધા બંધ રાખવામાં આવશે. ઇંગ્લૅન્ડમાં અગાઉ માર્ચ-૨૦૨૦માં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના નિયમોને વધુ સખતાઈથી આજે (બુધવાર)થી કાયદેસર લાગુ કરવામાં આવશે.

વડા પ્રધાન બોરિસ જૉન્સને તમામ દેશવાસીઓને તાત્કાલિક અમલમાં આવે એ રીતે વર્ક ફ્રૉમ હોમ શરૂ કરવાની સૂચના આપી હતી. લૉકડાઉનનાં નવાં નિયંત્રણો ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાના અંત સુધી અમલમાં રહેશે. ત્યાર પછી દેશમાં ચાલતા વૅક્સિનેશન-ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવની અસરોની સમીક્ષા કરીને લૉકડાઉન લંબાવવા વિશે નિર્ણય લેવામાં આવશે. વાઇરસના જૂના રૂપની સરખામણીમાં ન્યુ વાઇરલ સ્ટ્રેનના ચેપની તીવ્રતા ૫૦થી ૭૦ ગણી વધારે હોવાનું બ્રિટનના વિજ્ઞાનીઓએ ખાતરીપૂર્વક જાહેર કર્યું હતું. એ બાબત એક ટેલિવિઝન પ્રસારણમાં જણાવતાં વડા પ્રધાન બોરિસ જૉન્સને જણાવ્યું હતું કે આ સંજોગોમાં દરેક વ્યક્તિ રોગનો વાઇરસ ગ્રહણ કરવા અને એનો પ્રસાર કરવાને સક્ષમ હોવાની શક્યતા છે. 

coronavirus covid19 lockdown international news united kingdom