હવામાંથી પેટ્રોલ પેદા કરતી નવી ટેક્નૉલૉજીની શોધ થઈ

20 October, 2012 06:19 AM IST  | 

હવામાંથી પેટ્રોલ પેદા કરતી નવી ટેક્નૉલૉજીની શોધ થઈ



ધરતીના પેટાળમાંથી જ નહીં, હવામાંથી પણ પેટ્રોલ પેદા કરી શકાય છે. ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરે એવી આ વાત છે, પણ બ્રિટનની એક કંપનીએ હવામાંથી પેટ્રોલ પેદા કરી શકતી ક્રાન્તિકારી ટેક્નૉલૉજી ડેવલપ કરી હોવાનો દાવો કર્યો છે. ગયા સપ્તાહે યોજાયેલી લંડન એન્જિનિયરિંગ કૉન્ફરન્સમાં આ ટેક્નૉલૉજીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. નૉર્થ ઇંગ્લેન્ડમાં આવેલી ઍર ફ્યુઅલ સિન્ડિકેશન નામની આ કંપનીએ સિન્થેટિક પેટ્રોલ પેદા કરવા માટે ‘ઍર કૅપ્ચર’ નામની ટેãક્નક વિકસાવી છે. નિષ્ણાતોને મતે વિશ્વ અત્યારે ક્લાઇમેટ ચેન્જ અને ઊર્જા કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે આ ટેક્નૉલૉજી ગેમ ચેન્જર પુરવાર થઈ શકે એવી ક્ષમતા ધરાવે છે.

આ ટેક્નૉલૉજી ડેવલપ કરનાર કંપનીએ કહ્યું હતું કે પ્રાયોગિક ધોરણે આ ટેક્નૉલૉજી દ્વારા નાની રિફાઇનરીમાં ત્રણ મહિનામાં પાંચ લિટર પેટ્રોલ પેદા કરવામાં આવ્યું હતું. આ સિન્થેટિક પેટ્રોલનો કોઈ પણ વાહનમાં ઉપયોગ કરી શકાય છે. કંપનીનું એમ પણ કહેવું છે કે મોટા પ્લાન્ટમાં એક દિવસમાં એક ટનથી પણ વધારે પેટ્રોલ પેદા કરી શકાય છે. લંડનમાં આવેલી મેકૅનિકલ એન્જિનિયરિંગની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્સ્ટિટ્યુશન ઑફ મેકૅનિકલ એન્જિનિયર્સના અધિકારીઓએ આ ટેક્નૉલૉજીને ક્રાન્તિકારી ગણાવી હતી. આ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન ટેટલોએ કહ્યું હતું કે આ ટેક્નૉલૉજી બ્રિટનની સક્સેસ સ્ટોરી બની શકે એમ છે.

કેવી રીતે પેદા થાય છે હવામાંથી પેટ્રોલ?

હવામાંથી સિન્થેટિક પેટ્રોલ પેદા કરતી આ ટેક્નૉલૉજી મુખ્યત્વે વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડ દૂર કરવાની પદ્ધતિ પર આધારિત છે. આ રીતે મેળવવામાં આવેલી કાર્બન ડાયૉક્સાઇડમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ મિશ્ર કરીને પ્યૉર કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન કરવામાં આવે છે, જ્યારે બાષ્પમાંથી ઇલેક્ટ્રૉલાઇઝિંગ નામની પદ્ધતિ દ્વારા હાઇડ્રોજન પેદા કરવામાં આવે છે. એ પછી કાર્બન ડાયૉક્સાઇડ અને હાઇડ્રોજનની મદદથી મિથેનોલ ઉત્પન્ન કરવામાં આવે છે જેને ગૅસોલિન ફ્યુઅલ રીઍક્ટરમાં પસાર કરીને પેટ્રોલ પેદા કરવામાં આવે છે. આ રીતે પેદા થયેલા પેટ્રોલનો રંગ અને ગંધ પણ નૉર્મલ પેટ્રોલ જેવા જ હોય છે.