બોસ્નિયાનો મુસ્લિમ હજ પઢવા માટે ૫૬૫૦ કિલોમીટર ચાલ્યો

30 October, 2012 05:35 AM IST  | 

બોસ્નિયાનો મુસ્લિમ હજ પઢવા માટે ૫૬૫૦ કિલોમીટર ચાલ્યો



બોસ્નિયાના ૪૭ વર્ષના એક મુસ્લિમ શ્રદ્ધાળુએ હજ પઢવા માટે ૫૬૫૦ કિલોમીટરની સફર પગે ચાલીને કાપી હતી. સેનાદ હેડઝિક નામના આ શ્રદ્ધાળુને સાઉદી અરેબિયામાં આવેલા પવિત્ર મક્કા સુધી પહોંચતાં ૧૦ મહિનાનો સમય લાગ્યો હતો. મક્કા પહોંચવા માટે તે સર્બિયા, બલ્ગેરિયા, તુર્કી, જૉર્ડન તથા યુદ્ધગ્રસ્ત સિરિયા એમ કુલ પાંચ દેશોમાંથી પસાર થયો હતો.

પત્રકારો સાથે વાત કરતાં હેડઝિકે કહ્યું હતું કે ૧૦ મહિનાની આ સફર દરમ્યાન દરરોજ કોઈ ને કોઈ મુશ્કેલી પેદા થતી હતી અને સરળતાથી સફર કાપી હોય એવો એક પણ દિવસ નહોતો.

હેડઝિક ગયા ડિસેમ્બરમાં ઉત્તર-પૂર્વ બોસ્નિયામાં આવેલા બેનોવીસી શહેરમાં આવેલા પોતાના ઘરેથી નીકળ્યો હતો. તે માત્ર ૨૬૦ ડૉલર (આશરે ૧૫,૦૦૦ રૂપિયા) જેટલી રકમ અને ૨૦ કિલો જેટલો સામાન લઈને નીકળ્યો હતો. ૩૧૪ દિવસની લાંબી સફર દરમ્યાન તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ડિસેમ્બરમાં જ્યારે તે નીકળ્યો ત્યારે બલ્ગેરિયામાં માઇનસ ૩૫ ડિગ્રી ટેમ્પરેચર હતું. જોકે સૌથી કઠિન સફર સિરિયાની હતી. ગૃહયુદ્ધને કારણે સિરિયામાં ઠેર-ઠેર લડાઈ ચાલી રહી છે ત્યારે આ દેશમાંથી ચાલીને પસાર થવું સૌથી મોટો પડકાર હતો.

જોકે આ તમામ પડકારોનો સામનો કરીને તે હેમખેમ મક્કા પહોંચ્યો હતો. હેડઝિકે કહ્યું હતું કે સિરિયામાં ક્યારેક સરકારી દળો તો ક્યારેક બળવાખોર દળોને મનાવવાં પડતાં હતાં. જોકે હવે તેનું કહેવું છે કે મક્કામાં હજ પઢ્યા બાદ તેનો થાક દૂર થઈ ગયો છે અને તે પરમ શાંતિનો અનુભવ કરી રહ્યો છે.