અફઘાનિસ્તાનમાં ત્રણ મિનિબસમાં બોમ્બ બ્લાસ્ટ, ૯ લોકોનાં મોત

26 May, 2022 02:25 PM IST  |  Kabul | Gujarati Mid-day Online Correspondent

અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વિસ્ફોટ થયા છે

પ્રતીકાત્મક તસવીર

અફઘાનિસ્તાનના ઉત્તરી શહેર મઝાર-એ-શરીફમાં મિનિબસમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા, જ્યારે 15 અન્ય ઘાયલ થયા હતા. બાલ્ખ પ્રાંતીય પોલીસના પ્રવક્તા આસિફ વઝીરીએ એએફપીને જણાવ્યું હતું કે “શહેરના જુદા-જુદા જિલ્લાઓમાં ત્રણ મિની બસોમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા.”

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે “બુધવારે સાંજે રાજધાની કાબુલમાં એક મસ્જિદની અંદર બીજો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા.” મંત્રાલયે કહ્યું કે “બોમ્બ મસ્જિદમાં પંખાની અંદર રાખવામાં આવ્યો હતો.”

દેશમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્ફોટ થયા

અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વિસ્ફોટ થયા છે. મઝાર-એ-શરીફ આતંકવાદીઓનું ખાસ નિશાન રહ્યું છે. 28 એપ્રિલે મઝાર-એ-શરીફમાં મિનિબસોમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા અને 13 અન્ય ઘાયલ થયા હતા. મઝાર-એ-શરીફમાં જ બપોરની નમાજ દરમિયાન, 21 એપ્રિલ (ગુરુવારે) સેહ ડોકન મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 12 નમાઝીઓ માર્યા ગયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા. 21મી એપ્રિલે ગુરુવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રોડ કિનારે થયેલા વિસ્ફોટમાં બે બાળકો ઘાયલ થયા હતા.

ગયા વર્ષે ઑગસ્ટમાં સત્તા સંભાળ્યા બાદથી તાલિબાન દાવો કરી રહ્યું છે કે તેમણે દેશને સુરક્ષિત કરી લીધો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્લેષકો તાલિબાનના દાવા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો કહે છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફરી ઊભો થવાનું જોખમ રહેલું છે અને ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથે અનેક મોટા હુમલાઓનો દાવો કર્યો છે.

international news afghanistan