અફઘાનમાં લોહી રેડાવાનું હવે બંધ થયું, પાછા આવી જાઓ : તાલિબાન પીએમ અખુંદ

10 September, 2021 01:22 PM IST  |  Kabul | Agency

‘અફઘાનિસ્તાનમાં લોહી રેડાવાનું હવે બંધ થઈ ગયું છે અને યુદ્ધગ્રસ્ત અફઘાનને ફરી બેઠું કરવાનું પ્રચંડ કાર્ય બજાવવાની જવાબદારી અમારા પર છે અેટલે તમે પાછા દેશભેગા થઈ જાઓ.’

પ્રતીકાત્મક તસવીર

અફઘાનિસ્તાનની તાલિબાનના શાસન હેઠળની નવી સરકારના કાર્યવાહક વડા પ્રધાન મુલ્લા મોહમ્મદ હસન અખુંદે ગઈ કાલે પાછલી સરકારોના ભૂતપૂર્વ અધિકારીઓને દેશમાં પાછા આવી જવાની અપીલ કરી હતી અને વિવિધ માધ્યમો મારફત કહેવડાવ્યું હતું કે ‘તમને અહીં પૂરું રક્ષણ આપવામાં આવશે.’
અખુંદે ખાસ અપીલ કરતાં કહ્યું હતું કે ‘અફઘાનિસ્તાનમાં લોહી રેડાવાનું હવે બંધ થઈ ગયું છે અને યુદ્ધગ્રસ્ત અફઘાનને ફરી બેઠું કરવાનું પ્રચંડ કાર્ય બજાવવાની જવાબદારી અમારા પર છે એટલે તમે પાછા દેશભેગા થઈ જાઓ.’
અખુંદે એવું પણ જણાવ્યું હતું કે ‘અફઘાનિસ્તાન માટેની આ ઐતિહાસિક પળો પાછી મેળવવા આપણે આકરી કિંમત ચૂકવી છે. અગાઉની સરકારો સાથે કામ કરનારી વ્યક્તિઓ જો પાછી અહીં કામ કરવા તૈયાર હોય તો તેમને અમે કોઈ પણ પ્રકારની માફી આપવા તૈયાર છીએ.’

અફઘાની પિતા દીકરીને ૪૩ હજાર રૂપિયામાં વેચી દેવા માગે છે

અફઘાનિસ્તાનમાં મીર નઝીર જેવા લાખો લોકો છે જેઓ તાલિબાનના આવતા દરેક દિવસને ‘કાળરાત્રિ’ માનવા લાગ્યા છે. અેક બ્રિટિશ અખબારના અહેવાલ મુજબ ૩૮ વર્ષના ભૂતપૂર્વ પોલીસ અધિકારી નઝીર પરિવારના બાકીના મેમ્બરોના ગુજરાન માટે પોતાની ચાર વર્ષની દીકરીને વેચી નાખવા વિચારે છે. અેક દુકાનદારને અેકેય બાળક નથી અેટલે તે નઝીરની પુત્રીને ૪૨૦ પાઉન્ડ (અંદાજે ૪૩,૦૦૦ રૂપિયા)માં આપી દેવા વિચારી રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના ક્રૂર શાસનની શરૂઆતને પગલે અનેક પરિવારોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોની અસલામતી વધી ગઈ છે

international news kabul afghanistan