જર્મનીમાં રાહુલ ગાંધીના ભારત​વિરોધી ભાષણથી દેશમાં ભડકો

24 December, 2025 09:18 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસી નેતાએ બર્લિનમાં BJP પર વોટ-ચોરીનો આરોપ મૂકીને કહ્યું કે ભારતમા બંધારણને ખતમ કરવાની, સંસ્થાનો પર કબજો જમાવવાની તજવીજ થઈ રહી છે: BJPએ આરોપ મૂક્યો કે રાહુલ ગાંધીનો વ્યવહાર બાળક જેવો છે અને કૉન્ગ્રેસ દેશમાં અરાજકતા ઇચ્છે છે

જર્મનીના બર્લિનની ઇવેન્ટમાં રાહુલ ગાંધી.

જર્મનીના બર્લિનમાં એક કાર્યક્રમને સંબોધતી વખતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સત્તાધારી ભગવા પક્ષ પર નિશાન સાધતાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગઈ કાલે રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે રાહુલ અને કૉન્ગ્રેસ ભારતીય લોકશાહીમાં અરાજકતા અને અશાંતિ ઇચ્છે છે.

BJPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘ભારત દેશ સામે લડવાથી લઈને અરાજકતાની ધમકી આપવા સુધી, રાહુલ ગાંધીની કૉન્ગ્રેસ તેમના વૈચારિક આશ્રયદાતા જ્યૉર્જ સોરોસ સાથે ભારતીય લોકશાહીમાં અરાજકતા અને અશાંતિ ઇચ્છે છે. રાહુલ આવી ભારતવિરોધી શક્તિઓને એક કરવા માટે વિદેશ જાય છે. કૉન્ગ્રેસ ભારતીય લોકશાહીને નફરત કરે છે. કૉન્ગ્રેસ ભારતની પ્રગતિને નફરત કરે છે. રાહુલ ગાંધીની કૉન્ગ્રેસ અરાજકતા ઇચ્છે છે.’

કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને કર્ણાટકનાં નેતા શોભા કરંદજાલેએ પણ કૉન્ગ્રેસના નેતા પર હુમલો કરતાં દાવો કર્યો હતો કે ‘રાહુલ ગાંધી વિપક્ષના નેતા નથી, પણ ભારતવિરોધી નેતા છે જે વિદેશમાં જઈને દેશ વિરુદ્ધ બોલે છે. આમ કરીને તેમનો શું હેતુ છે? તેઓ હજી પણ નેતા નહીં પણ બાળક જેવો વ્યવહાર કરે છે. કર્ણાટકમાં વિકાસ વિશે કોઈ વાત નથી કરતું, પરંતુ ફક્ત મુખ્ય પ્રધાન તરીકે કોણ રહેશે એ વિશે વાત થઈ રહી છે.’

રાહુલ ગાંધી જર્મનીની પાંચ દિવસની મુલાકાતે છે. બર્લિનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ BJP પર દેશના સંસ્થાકીય માળખા પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો અને એને લોકશાહી પ્રણાલી પર હુમલો ગણાવ્યો હતો. રાહુલે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રએ તપાસ-એજન્સીઓને રાજનીતિક શસ્ત્ર બનાવી દીધી છે, જે સૂચવે છે કે ભારતમાં ઉદ્યોગપતિઓ વિરોધ પક્ષોને બદલે BJPને નાણાકીય રીતે ટેકો આપે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘દેશના સંસ્થાકીય માળખા પર મોટા પાયે કબજો થઈ રહ્યો છે. આપણી ગુપ્તચર એજન્સીઓ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને હથિયાર બનાવી દેવામાં આવી છે. ED અને CBI પાસે BJP સામે કોઈ કેસ નથી અને મોટા ભાગના રાજકીય કેસ એવા લોકો સામે છે જેઓ તેમનો વિરોધ કરે છે. જો તમે ઉદ્યોગપતિ છો અને કૉન્ગ્રેસને ટેકો આપવાનો પ્રયાસ કરો છો તો તમને ધમકી આપવામાં આવે છે. BJP ભારતના સંસ્થાકીય માળખાનો ઉપયોગ રાજકીય શક્તિ બનાવવા માટે એક સાધન તરીકે કરે છે. BJP પાસે અને વિપક્ષ પાસે કેટલા પૈસા છે એ જુઓ. લોકશાહી પ્રણાલી પર હુમલો થઈ રહ્યો છે. આપણે એનો સામનો કરવાના રસ્તાઓ શોધવા પડશે.’

રાહુલ ગાંધીએ બર્લિનમાં BJP પર ચૂંટણીમાં વોટ-ચોરીનો આરોપ પણ મૂક્યો હતો અને કહ્યું હતું કે BJP ભારતીય બંધારણન ખતમ કરવા માગે છે.

ભારતમાં ઉત્પાદન ઘટ્યું: રાહુલ ગાંધી

૧૭ ડિસેમ્બરે રાહુલ ગાંધીએ જર્મનીના મ્યુનિકમાં બવેરિયન મોટર વર્ક્સ (BMW) વર્લ્ડ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે કહ્યું હતું કે ‘ઉત્પાદન મજબૂત અર્થતંત્રોની કરોડરજ્જુ છે. દુઃખની વાત છે કે ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. વિકાસને વેગ આપવા માટે આપણે વધુ ઉત્પાદન કરવાની જરૂર છે - અર્થપૂર્ણ ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવી જોઈએ અને સ્કેલ પર ઉચ્ચ ગુણવત્તાવાળી નોકરીઓ બનાવવી જોઈએ. યુરોપ, ભારત અને અમેરિકામાં આપણે જે અશાંતિ જોઈ રહ્યા છીએ, રાજકારણનું ધ્રુવીકરણ જોઈ રહ્યા છીએ એનું એક મોટું કારણ એ છે કે આપણે આપણા લોકોને નોકરીઓ આપી શકતા નથી કારણ કે આપણે ચીનને કહ્યું હતું કે તમે વિશ્વ માટે ઉત્પાદન કરો.’

જોકે BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધીના આ દાવાને નકારી કાઢ્યો હતો અને એને ભારતની વિકાસગાથા વિરુદ્ધ ફેક ન્યુઝ ગણાવ્યા હતા. તેમણે એક પોસ્ટમાં છેલ્લાં ૧૦ વર્ષમાં કુલ ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદનમાં ૪૯૫ ટકા વૃદ્ધિનો દાવો કર્યો, નિકાસમાં ૭૬૦ ટકાનો વધારો થયો અને ૧૯૯૧થી ઑટોમોબાઇલ ઉત્પાદનમાં ૧૪ ગણો વધારો થયો છે એમ જણાવ્યું હતું.

international news world news rahul gandhi congress political news indian politics germany