ટ્વિટર પર મોદીના અડધા ફૉલોઅર્સ નકલી

28 October, 2012 03:06 AM IST  | 

ટ્વિટર પર મોદીના અડધા ફૉલોઅર્સ નકલી



સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના ફૉલોઅર્સની સંખ્યા હમણાં જ ૧૦ લાખને પાર થઈ ગઈ હતી. જોકે લંડનના એન્જિનિયરોએ ડેવલપ કરેલા સ્ટેટસ પીપલ નામના ઇન્ટરનેટ ટૂલ દ્વારા એવો ખુલાસો થયો છે કે મોદીના ફૉલોઅર્સમાં ૪૬ ટકા નકલી છે, જ્યારે ૪૧ ટકા નિષ્ક્રિય છે.

ટ્વિટર પર કયા અકાઉન્ટમાં કેટલા નકલી છે અને કેટલા અકાઉન્ટ નિષ્ક્રિય છે એ શોધી કાઢવાનું કામ સ્ટેટસ પીપલ કરે છે. ફૉલોઅર્સની સંખ્યા ૧૦ લાખને પાર થઈ ત્યારે મોદીએ પોતાના પ્રશંસકોનો આભાર માનતાં કહ્યું હતું કે ૧૦ લાખ ફૉલોઅર્સ માત્ર આંકડા નથી, પણ આ તમારો પ્રેમ દર્શાવે છે. સ્ટેટસ પીપલના જણાવ્યા પ્રમાણે મોદીના ૪૬ ટકા ફૉલોઅર્સ નકલી છે, જ્યારે ૪૧ ટકા ફૉલોઅર્સ એવા છે જે ક્યારેય ટ્વિટર પર આવતા જ નથી. સ્ટેટસ પીપલ વૈજ્ઞાનિક ઢબે નકલી અને નિષ્ક્રિય ફૉલોઅર્સ શોધવાનું કામ કરે છે. નરેન્દ્ર મોદીએ ૨૦૦૯માં ટ્વિટર પર પોતાનું અકાઉન્ટ શરૂ કર્યું હતું. ૨૦૧૦માં તેમના ફૉલોઅર્સની સંખ્યા એક લાખ હતી, જ્યારે ગયા વર્ષે ફૉલોઅર્સની સંખ્યા ચાર લાખ થઈ ગઈ હતી. જોકે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમના ફૉલોઅર્સની સંખ્યામાં છ લાખનો ઉમેરો થયો હતો.

સ્ટેટસ પીપલ ટૂલ બનાવનારાઓનું કહેવું છે કે ટ્વિટર પર કોઈ પણ વ્યક્તિ કોઈને પણ ફૉલો કરી શકે છે. જોકે મોટી કંપનીઓ તથા જાણીતી હસ્તી પોતાની લોકપ્રિયતા વધારે દર્શાવવા માટે નકલી ફૉલોઅર્સ ઊભા કરે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ માટે અનેક કંપનીઓ મોટા પાયે નાણાં પણ ખર્ચતી હોય છે. કેટલીક કંપનીઓ નકલી અકાઉન્ટ બનાવવા માટે પ્રતિ અકાઉન્ટ દસ પૈસાથી ૫૦ પૈસા સુધીની રકમ ચૂકવતી હોય છે. ટ્વિટર પર મોદીના ફૉલોઅર્સની સંખ્યા જ્યારે ૧૦ લાખને પાર થઈ ત્યારે બીજેપીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાનના વિકાસના એજન્ડાની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.