ચીનમાં કુલ 213નાં મોત, દુનિયાભરમાં કુલ 8200 કરતાં વધુ દર્દીઓ

01 February, 2020 10:03 AM IST  |  Beijing

ચીનમાં કુલ 213નાં મોત, દુનિયાભરમાં કુલ 8200 કરતાં વધુ દર્દીઓ

કોરોના વાઇરસ

ચીનમાંથી ઉદ્ભવેલો કોરોના વાઇરસ હવે દુનિયાભરમાં ફેલાઈને હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે હવે કોરોના વાઇરસને લીધે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમન સમિતિની બેઠકમાં આ મામલે ચર્ચા હાથ ધરાઈ. અે બાદ કોરોના વાઇરસને ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સીઈઓ ટેડ્રોસ અદનોમે ટ્‌વીટ કરી જણાવ્યું કે હું કોરોના વાઇરસને આંતરરાષ્ટ્રીય સંકટ તેમ જ ચિંતા ગણી તેને એક સાર્વજનિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરું છું. તેમણે કહ્યું કે હાલમાં વાઇરસને કારણે ચીનમાં જે સ્થિતિ ઉદ્ભવી છે તેના કારણે નહીં પરંતુ આ વાઇરસ હવે અન્ય દેશોમાં પણ પ્રસરી રહ્યો હોવાથી હું આ ઇમર્જન્સીની જાહેરાત કરું છું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું કે દુનિયાભરમાં કોરોના વાઇરસના ૮ હજાર ૨૦૦થી વધુ સંક્રમિત દરદીઓ છે જેના કારણે કોરોના વાઇરસને એક વૈશ્વિક કટોકટી જાહેર કરવી જોઈએ

ભારતમાં ચીનનો ઘાતક વાઇરસ કોરોના પ્રવેશી ચૂક્યો છે. ચીનથી થોડા દિવસ પહેલાં પરત આવેલી કેરળની વિદ્યાર્થિનીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું કેરળ સરકારે જણાવ્યું હતું. એ વિદ્યાર્થિનીને હાલ આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે, તેની સતત તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં તેના શરીરમાં કોરોના વાઇરસ હોવાનું જણાયું છે. હવે ચોવીસ કલાક પછી શુક્રવારે વધુ એક તપાસ થશે, જેથી વાઇરસની હલ-ચલ અને શરીર પર કેવી અસર કરે છે એ નોંધી શકાય

ચીનમાં મૃત્યુઆંક વધીને ૨૧૩ પહોંચી ગયો છે, જ્યારે ચેપ લાગ્યો હોય એવા દરદીની સંખ્યા ૭૭૦૦થી પણ વધારે નોંધાઈ છે. તેમાંથી ૧૪૦૦ જેટલા દરદીની હાલત ગંભીર છે. અગાઉ ફેલાયેલી સાર્સની બીમારી કરતાં આ આંકડો વધી ગયો છે. ગુરુવારે જ ત્યાં ૧૭૦૦ નવા દરદી નોંધાયા હતા. ચીની સરકારના ગમે તેવા પ્રયાસ છતાં વાઇરસનો ફેલાવો અટકી શક્યો નથી

કેરળ આવેલા વિદ્યાર્થી તથા અન્ય ચીની પ્રવાસીઓની તપાસ કરી શંકાસ્પદ જણાયા તેમના લોહીના નમૂના પુના સ્થિત ઇન્સ્ટિટયૂટ ઑફ વાઇરોલૉજીમાં તપાસ માટે મોકલાયો હતો. આ સંસ્થાએ કોરોના વાઇરસ હોવાની વાત કન્ફર્મ કરી હતી. કેરળમાં કેસ નોંધાયા પછી સરકારે સતર્ક થઈને હવે વિવિધ પગલાં પણ જાહેર કર્યાં હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી. સરકાર ગમે તે સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

china coronavirus beijing international news