ચીનમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડોઃ વિશ્વમાં 3100થી વધુનાં મોત

05 March, 2020 11:07 AM IST  |  Beijing

ચીનમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડોઃ વિશ્વમાં 3100થી વધુનાં મોત

કોરોના વાઇરસ

વિશ્વભરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના ૯૩ હજારથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. કુલ ૩૧૯૮ લોકોનું મૃત્યુ થયું છે. વિશ્વના અલગ અલગ દેશોમાં કેસની સંખ્યા વધી રહી છે અને ચીનમાં તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ચીનના હેલ્થ કમિશન પ્રમાણે મંગળવારે ૩૮ લોકોનું મૃત્યુ થયું હતું અને ૧૧૯ નવા કેસ સામે આવ્યા છે. કુલ ૨૯૮૧ લોકોનાં મોત થયાં છે. ચીનમાં અત્યાર સુધી ૮૦,૨૭૦ કેસ નોંધાયા છે. હેલ્થ કમિશન પ્રમાણે મંગળવારે સૌથી વધારે ૧૧૫ કેસ હુબેઇ પ્રાંતમાંથી સામે આવ્યા હતા. હુબેઇ બહાર માત્ર ચાર કેસની ખાતરી થઈ હતી. ૩ ફેબ્રુઆરીએ કુલ ૮૯૦ કેસ સામે આવ્યા હતા જ્યારે દેશના બાકી વિસ્તારોમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

હેલ્થ કમિશન પ્રમાણે મંગળવારે ગંભીર કેસની સંખ્યા ૬૪૧૬થી ઘટીને ૩૯૦ થઈ ગઈ છે. ૨૬૫૨ લોકોને રિકવરી બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ચીનમાં અત્યાર સુધી ૫૦,૬૮૧ લોકો રિકવર થઈ ચૂક્યા છે.

અધિકારીઓ પ્રમાણે મંગળવાર સુધી હૉન્ગકૉન્ગમાં ૧૦૦ કેસ સામે આવ્યા છે અને બે જણનાં મોત થયાં છે. બીજી તરફ દક્ષિણ કોરિયામાં ૫૩૨૮ કેસ સામે આવ્યા છે. બુધવારે નવા ૧૪૨ કેસ નોંધાયા હતા. ઈટલીમાં ૭૯ લોકોનાં મોત થયાં છે અને કેસની સંખ્યા ૨૫૦૨ છે. ઈરાનમાં ૭૭ લોકોનાં મોત થયાં છે જ્યારે ૨૩૩૬ લોકો સંક્રમિત છે. જપાનમાં અત્યાર સુધી ૧૨ લોકોનાં મોત અને ૧૦૦૦ કેસ નોંધાયા છે.

અમેરિકામાં કોરોના વાઇરસના ૧૦૮ કેસ નોંધાયા છે, જેમાં મૃત્યુઆંક ૯ થયો છે.

china coronavirus international news beijing