કોરોના વાઇરસઃ ચીનમાં મૃત્યુઆંક 1000ને પાર: 42,000થી વધુને અસર

12 February, 2020 12:46 PM IST  |  Beijing

કોરોના વાઇરસઃ ચીનમાં મૃત્યુઆંક 1000ને પાર: 42,000થી વધુને અસર

કોરોના વાઇરસનો આતંક

ચીનમાં કોરોના વાઇરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, જેના કારણે દુનિયાભરના દેશો ચિંતામાં મુકાઈ ગયા છે. ચીનમાં કોરોના વાઇરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંક ૧૦૦૦ને પાર પહોંચી ચૂક્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં ૧૦૧૧ લોકો આ વાઇરસની લપેટમાં આવીને મોતને ભેટી ચૂકયા છે. મૃતકોની સંખ્યામાં જો ફિલિપિન્સ અને હૉન્ગકૉન્ગમાં થયેલા એક-એક વ્યક્તિનાં મોતનો સમાવેશ પણ કરવામાં આવે તો આ આંકડો ૧૦૧૩ સુધી પહોંચે છે.

ચીનની સરકારી મીડિયાના રિપોટ્‌ર્સ અનુસાર આ વાઇરસની લપેટમાં આવેલા લોકોની સંખ્યા ૪૨,૩૦૦ પર પહોંચી ગઈ છે. ૨૦૦૩માં ફેલાયેલા સીવિયર અક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમના કારણે ૭૭૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેની સરખામણીમાં કોરોના વાઇરસના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે.

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ચીનમાં કોરોના વાઇરસથી મૃતકોની સંખ્યા વધીને ૯૦૮ થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ મોત હુબેઈ પ્રાંતમાં થયાં છે. ઉપરાંત કોરાના વાઇરસથી કુલ ૪૨,૩૦૦ અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ આ બાબતને ગંભીરતાથી લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાઇરસને કાબૂમાં લેવા માટે પોતાની એક ટીમ ચીન મોકલી છે.

ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં ૨૭ વિદેશી નાગરિકોને કોરોના વાઇરસથી અસર થઈ છે. એમાં બે જણનાં મોત થયાં છે. આ આંકડો ૧૦ ફેબ્રુઆરી સુધીનો છે. ચીનના વિદેશ મંત્રાલયના અધિકારીએ એમ પણ કહ્યું કે દેશ તમામ વિદેશી નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ખૂબ મહત્ત્વ આપે છે. કોરોનાને પગલે જે બે વિદેશી નાગરિકોનાં મોત થયાં છે, તેમાં ૬૦ વર્ષીય એક અમેરિકી મહિલા અને એક જાપાનનો પુરુષ સામેલ છે, આ બન્નેના વુહાન શહેરમાં કોરોના વાઇરસની અસરથી મોત થયાં છે. જ્યારે ૨૭ અસરગ્રસ્ત વિદેશી નાગરિકો પૈકી ત્રણને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીનથી કોરોના વાઇરસ હમણાં સુધી ૨૬ દેશોમાં ફેલાઈ ગયો છે.

ડબલ્યુએચઓની ટીમ ચીન પહોંચી

વિશ્વ આરોગ્ય સંસ્થાના તબીબી નિષ્ણાતોની એક ટીમ સોમવારે રાત્રે નોવેલ કોરોના વાઇરસ સંક્રમણની તપાસમાં મદદ માટે ચીન પહોંચી ગઈ છે. ટીમનું નેતૃત્વ ડૉ. બ્રુસ અલવાર્ડ કરી રહ્યા છે. ચીનના નૅશનલ હેલ્થ કમિશનના અધિકારી મી ફેંગે કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમનું સ્વાગત કરીએ છીએ. ચીન અને ડબલ્યુએચઓની ટીમ કોરોના વાઇરસના ઈલાજને લઈ વ્યાપક ચર્ચા કરશે અને આ મહામારીના ફેલાવાને અટકાવવા માટે યોગ્ય પગલાં ભરશે.

china beijing coronavirus