ISISના જેહાદી નેટવર્કનો ખાતમો કરવાના પ્રયાસો વધારી દેવાની જાહેરાત કરી બરાક ઓબામાએ

16 November, 2015 06:43 AM IST  | 

ISISના જેહાદી નેટવર્કનો ખાતમો કરવાના પ્રયાસો વધારી દેવાની જાહેરાત કરી બરાક ઓબામાએ




ટર્કીના શહેર ઍન્ટાલ્યામાં યોજાયેલી G20 દેશોની શિખર પરિષદમાં પૅરિસમાં થયેલા આતંકવાદી હુમલાનો વિષય કેન્દ્રમાં રહ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વનાં ટોચનાં ૨૦ અર્થતંત્રોના નેતાઓને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘આજે આપણે આતંકવાદની ક્રૂર અને ઘૃણાસ્પદ ઘટનાઓના કરુણ વાતાવરણની છાયામાં મળી રહ્યા છીએ. એ આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.’

ટર્કીના કાંઠાળા પ્રદેશના પર્યટન માટે જાણીતા શહેર ઍન્ટાલ્યામાં બે દિવસની શિખર પરિષદ શરૂ થઈ ત્યારે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પૅરિસમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાના આરોપીઓને શોધવા અને પકડવામાં ફ્રાન્સને સંપૂર્ણ પીઠબળ આપવાની બાંયધરી આપતાં જણાવ્યું હતું કે ‘વિચિત્ર પ્રકારની વિચારધારાને આધારે નિર્દોષ લોકોની ક્ત્લેઆમ એ માત્ર ફ્રાન્સ પરનો કે માત્ર ટર્કી પરનો હુમલો નથી. એ સભ્ય અને સુસંસ્કૃત વિશ્વ પર હુમલો છે.’

ઓબામાએ ISISના જેહાદીઓનું નેટવર્ક સદંતર નેસ્તનાબૂદ કરવા માટે હાલ ચાલતા પ્રયાસો બમણા કરતાંય વધારે કરી દેવાની જાહેરાત કરી હતી.

G20 દેશોની શિખર પરિષદમાં મુખ્યત્વે સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિ તથા પર્યાવરણમાં પરિવર્તનની ચર્ચા કરવાની હતી, પરંતુ હવે આજે પરિષદના અંતમાં આતંકવાદને પોષતાં પરિબળોનો સામનો કરવા માટે વ્યાપક અને અસરકારક અભિગમ હાથ ધરવાનો અને એ પરિબળોને નાણાભંડોળનો પુરવઠો બંધ કરાવવા વિશે માહિતીના આદાનપ્રદાન અને સમન્વયની જરૂરિયાત દર્શાવતો ઠરાવ પસાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઓબામા અને મોદીનાં વિમાનો સાથે પાર્ક કરાયાં

ટર્કીના પર્યટન-સ્થળ તરીકે મશહૂર શહેર ઍન્ટાલ્યામાં G20 દેશોની શિખર પરિષદ માટે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઍર ઇન્ડિયા-વનનું વિમાન અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાનું ઍરફોર્સ-વનનું વિમાન ત્યાંના ઍરપોર્ટ પર બાજુબાજુમાં પાર્ક કરવામાં આવ્યાં હતાં. એ દૃશ્ય અનેક લોકો માટે નોંધપાત્ર બન્યું હતું.