બરાક ઓબામા : કરિશ્માઈ વ્યક્તિત્વ

08 November, 2012 08:29 AM IST  | 

બરાક ઓબામા : કરિશ્માઈ વ્યક્તિત્વ




અમેરિકી અર્થતંત્રને ફરી પાટે લાવવાની તેમની ક્ષમતા સામે અનેક સવાલો પેદા થયા હોવા છતાં પણ પોતાના વ્યક્તિત્વની આ ખાસિયતોને કારણે જ તેઓ ફરી ચૂંટાઈ આવ્યા છે. પ્રમુખપદની પહેલી જ ટર્મમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ અમેરિકી પ્રમુખ એવા બરાક ઓબામાએ સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ અપાવવાની તરફેણ કરી હતી.

સૅન્ડી ફળ્યું?

થોડા દિવસ પહેલાં જ અમેરિકાના પૂર્વ કાંઠાનાં રાજ્યો પર સૅન્ડી વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે ઓબામાએ ચૂંટણીપ્રચાર અટકાવીને રિપબ્લિકન પાર્ટીના ગવર્નર સાથે મળીને રાહત અને બચાવ કામગીરીનું સુકાન સંભાળ્યું હતું. તેમની કામગીરીને રિપબ્લિકન પાર્ટીએ પણ બિરદાવી હતી. સૅન્ડી વખતે કરેલી કામગીરીને પણ અમેરિકી મતદાતાઓ પર અસર પડી હતી. વાઇટ અમેરિકન ઍન ડનહામ અને કેન્યામાં જન્મેલા અર્થશાસ્ત્રીના પુત્ર બરાક હુસૈન ઓબામા જુનિયરનો જન્મ ૧૯૬૧ની ચોથી ઑગસ્ટે હવાઈ ટાપુના હોનોલુલુમાં થયો હતો. ૨૦૦૮ની ચોથી નવેમ્બરે તેઓ અમેરિકાના ૪૪મા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

અનેક પડકારો

અમેરિકાના પહેલા અશ્વેત પ્રમુખ એવા ઓબામાને ૨૦૦૯માં શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો. ઓબામાએ પહેલી વાર પ્રમુખપદ સંભાળ્યું ત્યારે અમેરિકી અર્થતંત્ર ૧૯૩૦ની મહામંદી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકામાં બેકારીનો દર આઠ ટકાએ આંબી ગયો હતો. જોકે વિદેશ નીતિમાં ઓબામાએ કેટલીક મહત્વની સફળતાઓ મેળવી હતી. ખાસ કરીને અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનનો ખાતમો ઓબામાની કારકિર્દીની મોટી સફળતા છે. પોતાના ચૂંટણીપ્રચારમાં ઓબામાએ આ સિદ્ધિ લોકો સમક્ષ રજૂ કરી હતી. પોતાની પહેલી જ ટર્મમાં તેઓ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારતના મહત્વને સમજી ગયા હતા. પ્રમુખ બન્યા બાદ તેઓ સતત ભારતના વડા પ્રધાન મનમોહન સિંહના સંપર્કમાં રહ્યા હતા. ઓબામાએ તેમની ટીમમાં પણ અનેક ભારતીયોને સ્થાન આપ્યું હતું. પોતાના કાર્યકાળ દરમ્યાન તેમણે અનેક હિંમતભર્યા નિર્ણયો લીધા હતા. તેમણે અમેરિકી આર્મીમાં ગેની ભરતી પર મુકાયેલો બે દાયકા જૂનો પ્રતિબંધ દૂર કર્યો હતો એટલું જ નહીં, તેમણે સજાતીય લગ્નોને પણ માન્યતા આપવાની તરફેણ કરી હતી. તેમના આ સ્ટૅન્ડને કારણે ગે સમુદાયે માત્ર તેમને વોટ જ નહોતો આપ્યો, પણ તેમના માટે જોરદાર પ્રચાર પણ કર્યો હતો.

ઓબામા : મુસ્લિમ કે ખ્રિસ્તી?

બરાક ઓબામાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન તેમના વિરોધીઓએ એવી વાતો ફેલાવી હતી કે તેઓ ખ્રિસ્તી નહીં પણ મુસ્લિમ છે અને ખાનગી રીતે મુસ્લિમ ધર્મનું પાલન કરી રહ્યા છે. ઓબામાના પિતા ધર્મે મુસ્લિમ હતા અને તેમની માતા ખ્રિસ્તી હતી. ઓબામાના જન્મ બાદ તેમનાં માતા-પિતાએ ડિવૉર્સ લીધા હતા. ૧૯૮૨માં તેમના પિતાનું અવસાન થયું હતું. જોકે તેઓ બાળપણથી જ માતા ઍન ડનહામની સાથે રહ્યા હતા. ઓબામા બાળપણનો કેટલોક વખત ઇન્ડોનેશિયામાં ગાળ્યો હતો. ઓબામાએ જોકે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ખ્રિસ્તી છે અને ખ્રિસ્તી ધર્મને જ અનુસરી રહ્યા છે. સ્કૂલનું એજ્યુકેશન પૂરું કર્યા બાદ ઓબામાએ હાર્વર્ડ લૉ સ્કૂલમાં ઍડમિશન લીધું હતું. ગ્રૅજ્યુએશન પૂરું કર્યા બાદ તેઓ શિકાગો પાછા આવ્યા હતા. તેમણે શિકાગોને જ પોતાનું હોમ ટાઉન બનાવ્યું હતું. અહીં તેમણે સિવિલ રાઇટ્સ લૉયર તરીકે કામ કર્યું હતું. આ સાથે તેમણે યુનિવર્સિટી ઑફ શિકાગોમાં બંધારણીય કાયદો પણ ભણાવતા હતા.

અમેરિકાની ચૂંટણીની રસપ્રદ ફૅક્ટ ફાઇલ


બરાક ઓબામા સતત બીજી વખત પ્રમુખપદે ચૂંટાનાર અમેરિકાના ૪૪મા પ્રમુખ બન્યા. તેઓ દેશના પહેલા બ્લૅક પ્રમુખ છે.

૧૮ મહિના લાંબા ચૂંટણીપ્રચારમાં ઓબામા અને રોમ્નીએ કુલ ૭૧ કરોડ ડૉલરનો ખર્ચ કર્યો એટલે કે તેઓ દર મિનિટે ૧૩૯૯ રૂપિયા ખર્ચતા હતા.

અમેરિકાના ૨૨૩ વર્ષના ઇતિહાસમાં કોઈ પ્રમુખ બીજી ટર્મમાં ચૂંટણી હારી ગયા હોય એવું માત્ર આઠ જ વખત બન્યું છે.

ડેમોક્રેટિક પાર્ટીનું ચૂંટણી સિમ્બૉલ ડૉન્કી છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીનું સિમ્બૉલ હાથી છે.

૧૮૬૯થી અમેરિકાના પ્રમુખ માત્ર ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીમાંથી જ ચૂંટાઈ આવે છે.

અમેરિકામાં કોઈ પણ પ્રમુખ બે કરતાં વધારે ટર્મ માટે ચૂંટણી લડી શકતા નથી. તેથી ઓબામાની આ છેલ્લી ટર્મ રહેશે. અપવાદરૂપ કેસમાં એફ. ડી. રુઝવેલ્ટ ૧૯૩૨થી ૧૯૪૫ સુધી ચાર ટર્મ માટે ચૂંટાયા હતા. છેલ્લી ટર્મમાં કાર્યકાળ દરમ્યાન જ તેમનું મૃત્યુ થયું હતું.