દીકરીએ નાટક કરીને મમ્મીને ઘરની બહાર મોકલી અને પ્રેમી સાથે મળીને હાથસફાઈ કરી

16 April, 2026 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ તોલાના સોનાના દાગીના અને લૅપટૉપ મળીને અઢી લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ

પ્રતીકાત્મક તસવીર

બાંદરાના ૧૫ નંબરના રોડ પરની એક સોસાયટીમાં રહેતાં બાવન વર્ષનાં મહિલાએ પોતાની પુત્રી અને તેના પ્રેમી સામે ઘરમાંથી આશરે અઢી લાખ રૂપિયાના દાગીના ચોરી કરવાની ફરિયાદ ખાર પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાવી હતી. ફરિયાદી મહિલાની પુત્રીએ પોતાના જ ઘરમાં ચોરી કરવા માટે ષડ‍્યંત્ર કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે ફરિયાદી મહિલાની પુત્રી અને તેના પ્રેમીની શોધ શરૂ કરી છે.

ખાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે લગભગ સાડાબાર વાગ્યે ફરિયાદી મહિલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કૉલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમની પુત્રી પાલઘરની માર્કેટમાં પડી ગઈ છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ માહિતી મળતાં જ મહિલા ગભરાઈ ગઈ હતી અને તેણે પુત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવ્યો હતો. ત્યાર બાદ મહિલાએ જે નંબર પરથી કૉલ આવ્યો હતો ત્યાં ફરી સંપર્ક કરતાં તેમની પુત્રીએ રડતાં-રડતાં વાત કરી હતી અને તે હૉસ્પિટલમાં હોવાનું કહ્યું હતું. આથી મહિલા પોતાના પતિ સાથે તાત્કાલિક પાલઘર જવા નીકળી ગઈ હતી. જોકે તે વિરાર નજીક પહોંચી ત્યારે પાડોશીએ તેમને ફોન કરીને જાણ કરી કે તેમની પુત્રી ઘરે આવીને તાળું તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ માહિતી મળતાં તે પાલઘર જવાની જગ્યાએ પાછી ઘરે ફરી હતી જ્યાં પહોંચતાં ઘરનું તાળું તૂટેલું હતું અને સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. તપાસ કરતાં કબાટમાંથી અંદાજે પાંચ તોલા સોનાના દાગીના તેમ જ લૅપટૉપ સહિત આશરે અઢી લાખ રૂપિયાની માલમતા ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. અંતે મહિલાએ પોતાની પુત્રી અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્નેની શોધ શરૂ કરી છે.’

mumbai news mumbai bandra Crime News mumbai crime news mumbai police