અમેરિકામાં કિડનૅપ થયેલી બાળકીનો મૃતદેહ અપાર્ટમેન્ટમાંથી જ મળી આવ્યો

28 October, 2012 04:47 AM IST  | 

અમેરિકામાં કિડનૅપ થયેલી બાળકીનો મૃતદેહ અપાર્ટમેન્ટમાંથી જ મળી આવ્યો

આ બાળકીનું અપહરણ તેના પિતાના જ ફૅમિલી-ફ્રેન્ડ એવા ૨૧ વર્ષના યુવકે કર્યું હતું. ગુરુવારે સાન્વીનો મૃતદેહ તેના અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં સૂટકેસમાંથી મળી આવ્યો હતો. અપહરણ કરનાર રઘુનંદન યાન્દામુરી નામના સૉફ્ટવેર એન્જિનિયરની બાદમાં પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પેન્સિલ્વેનિયા સ્ટેટના કિંગ ઑફ પ્રુસિયા નામના ટાઉનમાં બની હતી.

રઘુનંદને માત્ર સાન્વીનું અપહરણ જ નહોતું કર્યું, તેનાં ૬૧ વર્ષનાં દાદીમા સત્યવતીની હત્યા પણ કરી હતી. રઘુનંદને ૫૦ હજાર ડૉલર (આશરે ૨૬ લાખ રૂપિયા)ની માગણી કરતો લેટર મોકલ્યો હતો જેમાં તેણે સાન્વીના પિતાના હુલામણા નામનો ઉલ્લેખ કર્યો હતો જેના આધારે તે પકડાયો હતો. સાન્વીના પિતા વેન્કટ કોન્ડા સિવા પ્રસાદ વેન્નાને તેમના મિત્રો સિવા નામે સંબોધે છે. રઘુનંદને લેટરમાં પણ તેમને સિવા નામે સંબોધન કર્યું હતું જેના આધારે પોલીસ તેના સુધી પહોંચી શકી હતી. સાન્વીના અપહરણે અમેરિકામાં વસતા ભારતીયોમાં ચકચાર જગાવી હતી. અમેરિકી તેલુગુ સમાજે અપહરણકાર વિશે માહિતી આપનાર માટે ૫૦ હજાર ડૉલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું.