ઑસ્ટ્રેલિયાના સત્યાનંદ યોગ આશ્રમમાં ચોંકાવનારાં કરતૂતો

04 December, 2014 05:58 AM IST  | 

ઑસ્ટ્રેલિયાના સત્યાનંદ યોગ આશ્રમમાં ચોંકાવનારાં કરતૂતો


એક ભારતીય દ્વારા સ્થાપવામાં આવેલા ઑસ્ટ્રેલિયાના સૌથી જૂના આશ્રમમાં માત્ર ચાર વર્ષની વયનાં બાળકોને ભૂખ્યાં-તરસ્યાં રાખવામાં આવતાં હતાં એટલું જ નહીં, તેમને ત્રાસ આપવામાં આવતો હતો અને મામૂલી બીમારી માટે મૉર્ફીનનાં ઇન્જેક્શન આપવામાં આવતાં હતાં. આટલું ઓછું હોય એમ આ બાળકો પર સેક્સ્યુઅલ અને શારીરિક અત્યાચાર કરવામાં આવતો હતો. આ ચોંકાવનારી માહિતી ગઈ કાલે મેલબર્નમાં હાથ ધરવામાં આવેલી સેક્સ્યુઅલ અબ્યુઝ કેસની સુનાવણીમાં બહાર આવી હતી.

બાળકોની જાતીય સતામણી સામે સરકારના પ્રતિસાદ વિશેના રૉયલ કમિશન સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવા અનુસાર બાળકોને સત્યાનંદ યોગ આશ્રમના સભ્યો સમક્ષ પોતાનાં ગુપ્તાંગો ખુલ્લાં કરવાની ફરજ પાડવામાં આવતી હતી અને મામૂલી બીમારી માટે મૉર્ફીનનાં ઇન્જેક્શન આપવામાં આવતાં હતાં. એપીકે એવું સાંકેતિક નામ ધરાવતી અને આશ્રમમાં ભૂતકાળમાં રહી ચૂકેલી એક છોકરીએ જણાવ્યું હતું કે ન્યુ સાઉથ વેલ્સના મૅન્ગ્રોવ માઉન્ટનમાં આવેલા આશ્રમમાં ૧૯૭૮માં નવ વર્ષની વયે હું આવી હતી. એ વખતે ચાર વર્ષની વયનાં બાળકો પર થતા અત્યાચાર મેં સગી આંખે નિહાળ્યાં છે.

આશ્રમના સ્થાપક સ્વામી અખંડાનંદ પોતાના જયજયકાર માટે આશ્રમમાં નિવાસ કરતાં બાળકોને પાયાની જરૂરિયાતોથી વંચિત રાખતા હતા. જે પરિવારો પોતાનાં બાળકોને આશ્રમમાં લાવતા હતા એમને એમ હતું કે તેઓ પોતાનાં બાળકોનાં ઉજ્જ્વળ ભવિષ્યની વ્યવસ્થા કરી રહ્યા છે, પણ આશ્રમમાં એ બાળકો પર ભયંકર અત્યાચાર ગુજારવામાં આવતો હતો.