08 September, 2023 09:25 AM IST | Jakarta | Gujarati Mid-day Correspondent
જકાર્તામાં ગઈ કાલે ૨૦મી એશિયન-ઇન્ડિયા સમિટ દરમ્યાન એક ગ્રુપ ફોટો માટે પોઝ આપી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આ ગ્રુપના અન્ય દેશોના લીડર્સ (તસવીર : એ.એન.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એશિયન-ઇન્ડિયા અને ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. તેઓ ગઈ કાલે સવારે એના માટે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પહોંચ્યા હતા.
સાઉથ ચાઇના સીમાં ચીનની વધતી જતી લશ્કરી આક્રમકતા વિરુદ્ધ અહીં વડા પ્રધાને તમામ દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને મજબૂત કરવાના સંયુક્ત પ્રયાસો અને દરેક દેશના કમિટમેન્ટ માટે હાકલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ‘ભારત માને છે કે સાઉથ ચાઇના સી માટે આચારસંહિતા અસરકારક હોવી જોઈએ અને એ આતંરરાષ્ટ્રીય સંધિ યુએનસીએલઓએસ (યુએન કન્વેન્શન ઑન ધ લૉ ઑફ ધ સી)ને અનુરૂપ હોવી જોઈએ.’
નોંધપાત્ર છે કે ચીને રિસન્ટ્લી એના ‘સ્ટાન્ડર્ડ મૅપ’ની લેટેસ્ટ એડિશનમાં સાઉથ ચાઇના સી પર દાવો કર્યો હતો ત્યારે મલેશિયા, વિયેટનામ અને ફિલિપીન્સ જેવા એશિયન ગ્રુપના સભ્ય દેશોએ એનો જોરદાર વિરોધ કર્યો હતો. ચીને ૨૮મી ઑગસ્ટે ‘સ્ટાન્ડર્ડ મૅપ ઑફ ચાઇના’ રિલીઝ કર્યો હતો, જેમાં સાઉથ ચાઇના સી, તાઇવાન, અરુણાચલ પ્રદેશ અને અકસાઈ ચીનને ચીનના પ્રદેશો ગણાવવામાં આવ્યા હતા. ભારતે આ ‘મૅપ’ને ફગાવી દીધો હતો અને એ બદલ ચીન સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે ‘આપણે ઇન્ડો-પૅસિફિક પ્રદેશમાં એવી સ્થિતિ સરજવી જોઈએ કે જ્યાં તમામ દેશો એકસમાન નિયમોનું પાલન કરે. તમામ દેશો કોઈ સમસ્યા વિના જળમાર્ગે અને હવાઈમાર્ગે જઈ-આવી શકે અને વેપાર કરી શકે. ’
ઇન્ડોનેશિયાના જકાર્તામાં ગઈ કાલે મૂળ ભારતીયો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું (તસવીર : પી.ટી.આઇ.)
એશિયન ગ્રુપના દેશોની સાથે ભારત ખભાથી ખભા મિલાવીને કામ કરવા કમિટેડ છે
એશિયન (અસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ)- ઇન્ડિયા સમિટને સંબોધતી વખતે મોદીએ ૧૦ દેશોના આ ગ્રુપને ગ્રોથનું એપિસેન્ટર ગણાવ્યું હતું, કેમ કે આ પ્રદેશ વૈશ્વિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું હતું કે ભારતની ઇન્ડો-પૅસિફિક પહેલમાં એશિયન મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને ભારત એની સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરવા માટે કમિટેડ છે.