અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ : અમેરિકા

16 March, 2023 12:14 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

યુએસની સેનેટે મૅકમોહન લાઇનને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપી, સરહદ પર ચીન પરિસ્થિતિને બગાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) : અમેરિકાએ ચીન અને ભારત વચ્ચે આવેલી મૅકમોહન લાઇનને આંતરરાષ્ટ્રીય સીમા તરીકેની માન્યતા આપી છે. સેનેટ દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવ મુજબ અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. આ ઠરાવ રજૂ કરનાર સેનેટર બિલ હેગર્ટી અને જેફ મર્કલે મળીને આ ઠરાવ સેનેટમાં રજૂ કર્યો હતો. સેનેટર બિલે કહ્યું હતું કે ચીન ઇન્ડો પૅસિફિક વિસ્તારમાં ઘણા દેશો માટે સમસ્યા ઊભી કરી રહ્યું છે એવા સંજોગોમાં અમેરિકા માટે મહત્ત્વનું છે કે એ ભાગીદારો સાથે ખભેખભા મેળવીને ઊભું રહે.’ આ ઠરાવ વાસ્તવિક નિયંત્રણરેખા પર યથાસ્થિતિને બદલવા માટે ચીને કરેલા સૈન્ય આક્રમણની નિંદા કરે છે. વળી ક્વૉડના માધ્યમથી ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાનો પ્રયાસ કરાશે. ભારત અને ચીન વચ્ચે છેલ્લાં છ વર્ષમાં વાસ્તવિક નિયંત્રણરેખા પર પૂર્વમાં સૌથી વધુ અથડામણ બાદ આ ઠરાવ આવ્યો છે, જેમાં અમેરિકાએ મૅકમોહન લાઇનને આંતરરાષ્ટ્રીય સીમા તરીકેની માન્યતા આપી છે. બીજી તરફ ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવે છે.  ઠરાવમાં ચીન દ્વારા બળપૂર્વક આ નિયંત્રણરેખાની સ્થિતિ બદલવા માટે કરેલા પ્રયત્નો, કોઈ પણ જઈ શકે એવા પ્રદેશમાં ગામડાંઓનું નિર્માણ તેમ જ અરુણાચલ પ્રદેશનાં શહેરોને મૅન્ડરિન ભાષાઓમાં નામ આપવા તથા ભુતાનના પ્રદેશમાં પણ ચીને કરેલા દાવાઓની નિંદા કરી હતી. 

international news china india arunachal pradesh united states of america washington