એક અબજ ડૉલરના પેટન્ટ-કેસમાં સૅમસંગ સામે ઍપલની જીત

26 August, 2012 05:09 AM IST  | 

એક અબજ ડૉલરના પેટન્ટ-કેસમાં સૅમસંગ સામે ઍપલની જીત

હાલમાં જ વિશ્વની સૌથી કીમતી કંપની બનેલી ઍપલ અને એના જેવી જ પ્રોડક્ટ્સ બજારમાં રજૂ કરીને ધમાકો કરનાર સૅમસંગ વચ્ચે પેટન્ટની કાનૂની લડાઈમાં આખરે ઍપલની જીત થઈ છે. અમેરિકાની કોર્ટે આપેલા ચુકાદા બાદ સૅમસંગે એક અબજ ડૉલર (અંદાજે ૫૫,૫૦૦ કરોડ રૂપિયા) જેટલી રકમ ઍપલને ચૂકવવી પડશે. સૅમસંગે જોકે આ ચુકાદો ન સ્વીકારતાં એને હાઈ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. ગઈ કાલે કૅલિફૉર્નિયાની સૅન જોસ કોર્ટે ત્રણ દિવસ ચાલેલી સુનાવણી બાદ ચુકાદો આપ્યો હતો.

અત્યાર સુધીના સૌથી મોટા પેટન્ટ-કેસના ચુકાદાની અસર સ્માર્ટ ફોન, ટૅબ્લેટ્સની વિશ્વભરની માર્કેટ પર પડશે. આ ચુકાદાને કારણે સૅમસંગ કેટલીક પ્રોડક્ટ્સ બજારમાં વેચી શકશે નહીં.

ત્રણ દિવસ ચાલેલી સુનાવણીમાં ૯ સભ્યોની જ્યુરીએ ૭૦૦ જેટલા સવાલો પૂછ્યાં હતા, જેના જવાબમાં બન્ને કંપનીઓએ એકમેક પર બૌદ્ધિક સંપત્તિના ઉલ્લંઘનનો આક્ષેપ મૂક્યો હતો.

ઍપલ-સૅમસંગ વચ્ચેની લડાઈનું શું છે કારણ?

ઍપલ અને સૅમસંગ બન્ને સ્માર્ટ ફોન બનાવતી વિશ્વની ટોચની કંપની છે. સૅમસંગ સામે ઍપલે એની ૭ પેટન્ટનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સ્માર્ટ ફોનના બજારમાં જે રીતે સૅમસંગે વર્ચસ હાંસલ કર્યું એને કારણે ઍપલને ચિંતા થવા માંડી હતી. બીજી તરફ સૅમસંગે પણ ઍપલ સામે એની પાંચ પેટન્ટની ચોરી કરવાનો આરોપ મૂક્યો છે. સોશ્યલ સાઇટ્સની લોકપ્રિયતામાં વધારો થતાં ઍપલ અને સૅમસંગ બન્નેના વેચાણમાં વધારો થયો છે. આ સાથે તેમની વચ્ચેની સ્પર્ધા પણ કાતિલ બની છે. માત્ર અમેરિકા જ નહીં બ્રિટન, સાઉથ કોરિયા, જર્મની અને ઑસ્ટ્રેલિયામાં પણ આ બન્ને કંપનીઓ એકમેક સામે કાનૂની જંગ લડી રહી છે.