ઇસ્લામવિરોધી અમેરિકી ફિલ્મ બનાવનારને જેલમાં પૂરી દેવાયો

29 September, 2012 06:39 AM IST  | 

ઇસ્લામવિરોધી અમેરિકી ફિલ્મ બનાવનારને જેલમાં પૂરી દેવાયો



દુનિયાભરના મુસ્લિમોમાં નારાજગીનું કારણ બનેલી ઇસ્લામવિરોધી ફિલ્મ બનાવનાર અમેરિકનને જેલમાં મોકલવાનો કોર્ટે આદેશ આપ્યો છે. ‘ઇનોસન્સ ઑફ મુસ્લિમ્સ’ નામની વિવાદાસ્પદ ફિલ્મ બનાવનાર કૅલિફૉર્નિયામાં રહેતા ૫૫ વર્ષના નેકુલા બેસેલીને બૅન્ક સાથેની છેતરપિંડીના કેસમાં જામીન વગર જેલમાં પૂરવાનો આદેશ અપાયો છે. નેકુલા વિવાદાસ્પદ ફિલ્મનો પ્રોડ્યુસર છે. ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી ગઈ કાલે તેને લૉસ ઍન્જલસની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અમેરિકાની ફેડરલ એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે નેકુલાએ ભૂતકાળમાં અનેક વાર પોતાની ઓળખ બદલીને બૅન્ક સાથે છેતરપિંડી કરી હતી. અગાઉ ૨૦૦૯માં પણ ક્રેડિટ કાર્ડ મેળવવા ખોટી ઓળખ આપવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી જૂન ૨૦૧૧માં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.