કતારમાં મૅચ દરમ્યાન ઈરાનના હિજાબ વિરોધી પ્રદર્શનકર્તાઓને પરેશાન કરાયા

27 November, 2022 09:22 AM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

હિજાબ વિરોધી પ્રદર્શન કરનારા કેટલાક ફૅન્સે જણાવ્યું હતું કે તેમના ફ્લૅગ્સ તેમની પાસેથી લઈ લેવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

કતાર વર્લ્ડ કપ દરમ્યાન ઈરાન અને વૅલ્સ વચ્ચે ફુટબૉલના મેદાનમાં જંગની શરૂઆત થાય એના પહેલાં એક અન્ય લડાઈ શરૂ થઈ હતી. ઈરાનમાં ફરજિયાત હિજાબના કાયદાની વિરુદ્ધ ઈરાનના સપોર્ટર્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ઈરાનની સરકારને સપોર્ટ કરતા ફૅન્સની સાથે તેમની અથડામણ થઈ હતી. 

હિજાબ વિરોધી પ્રદર્શન કરનારા કેટલાક ફૅન્સે જણાવ્યું હતું કે તેમના ફ્લૅગ્સ તેમની પાસેથી લઈ લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાકને પરેશાન કરવામાં આવ્યા હતા. દોહા સ્ટેડિયમના સિક્યૉરિટી અધિકારીઓએ પણ ઈરાન સરકારની વિરુદ્ધ લખાણવાળી ટી-શર્ટ્સ અને અન્ય વસ્તુઓને જપ્ત કરી હતી.

હિજાબ વિરોધી પ્રદર્શન કરનારાઓનું અપમાન કરવામાં આવ્યું હતું અને તેમને પરેશાન કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકર્તાઓ ‘વુમન, લાઇફ, ફ્રીડમ’ લખાણવાળા ટી-શર્ટ્સમાં જોવા મળ્યા હતા. નોંધપાત્ર છે કે ઈરાની શાસકો વિરુદ્ધ પ્રદર્શનકર્તાઓના આ શબ્દોથી ઈરાન ગૂંજી ઊઠ્યું હતું.

ઈરાનમાં ૨૨ વર્ષની કુર્દીશ યુવતી મહસા અમિનીની હિજાબને સંબંધિત નિયમનો ભંગ કરવા બદલ ધરપકડ બાદ પોલીસ-કસ્ટડીમાં મૃત્યુ બાદ વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ હિજાબ ન પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેનું ક્રૂરતાપૂર્વક દમન કરાયું હતું.

international news qatar