સૅન્ડી પછી અમેરિકાને માથે વધુ એક વાવાઝોડાનો ખતરો

06 November, 2012 05:56 AM IST  | 

સૅન્ડી પછી અમેરિકાને માથે વધુ એક વાવાઝોડાનો ખતરો



શક્તિશાળી વાવાઝોડા સૅન્ડીની કારમી થપાટમાંથી હજી અમેરિકા બેઠું થયું નથી ત્યાં વધુ એક પાવરફુલ વાવાઝોડું અમેરિકાના કાંઠા તરફ ધસી રહ્યું છે. અમેરિકાની નૅશનલ વેધર સર્વિસે આ સપ્તાહે વધુ એક દરિયાઈ વાવાઝોડું દેશના ઉત્તર-પૂર્વ કાંઠે ત્રાટકશે એવી આગાહી કરી છે. અત્યારના તબક્કે આ વાવાઝોડાના કદ અને તેના ટાઇમિંગને લઈને અનિશ્ચિતતાઓ છે. જોકે તેને કારણે તેજ ગતિએ પવન ફૂંકાશે તથા પૂર આવશે એવી આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં સૅન્ડીની જેમ આ વાવાઝોડાને કારણે પણ અનેક વિસ્તારમાં વીજવ્યવહાર કપાઈ જવાની શક્યતા છે.

નૅશનલ વેધર સર્વિસે ગઈ કાલે કહ્યું હતું કે આ વાવાઝોડું અત્યારના તબક્કે સૅન્ડી જેટલું જ શક્તિશાળી હોવાની શક્યતા છે. અમેરિકાના પૂર્વ કાંઠે ગત મહિનાના અંતમાં ત્રાટકેલું સૅન્ડી વાવાઝોડું હવે નબળું પડી ગયું છે. જોકે વધુ એક વાવાઝોડાને કારણે હજારો અમેરિકનોને પૂરનો સામનો કરવો પડી શકે છે.

સૅન્ડીને કારણે હજી પણ ન્યુ જર્સી અને ન્યુ યૉર્કના હજારો લોકોના ઘરમાં વીજળી ગૂલ છે. અનેક જગ્યાએ હજી પણ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ન્યુ યૉર્ક સબવેના કેટલાક રૂટ હજી ચાલુ કરી શકાયા નથી. ગઈ કાલ સુધીમાં સૅન્ડીને કારણે થયેલા મૃત્યુનો આંક વધીને ૧૧૦ થઈ ગયો હતો. ન્યુ જર્સી અને ન્યુ યૉર્કમાં ૧૫ લાખ લોકોનાં ઘરોમાં વીજળી આવી નથી.