ઍન્જલિના જોલી હવે રાજકારણમાં ઝંપલાવશે

05 November, 2014 03:39 AM IST  | 

ઍન્જલિના જોલી હવે રાજકારણમાં ઝંપલાવશે



સમયાંતરે લોકોને સરપ્રાઇઝ આપતી રહેતી ઍન્જલિનાએ સફળ ઍક્ટિંગ કરીઅર બાદ માનવતાનાં કાર્યો તરફ મન વાળ્યું હતું અને યુનાઇટેડ નેશન્સની પ્રતિષ્ઠિત ગુડવિલ એમ્બૅસૅડર બની હતી. હવે ‘વૅનિટી ફેર’ નામના મૅગેઝિનના ડિસેમ્બરના ઇશ્યુના કવર-પેજ પર ચમકનારી જોલીએ આ મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાની દિલની વાત પ્રગટ કરી હતી.

માનવતાનાં કામ કરવા માટે પૉલિટિક્સમાં પણ આગળ વધવું જોઈએ એમ જણાવતાં ઍન્જલિનાએ કહ્યું હતું કે ‘ખરેખર સમાજમાં કોઈ ચેન્જ લાવવો હોય તો જવાબદારી પણ ઉઠાવવી જ જોઈએ. હવે હું પૉલિટિક્સમાં ચૂંટણી લડું કે પછી અપૉઇન્ટી તરીકે પણ કામ કરવા માગું છું. જોકે મારા માટે શું યોગ્ય રહેશે એની મને ખરેખર કંઈ જ ખબર નથી, પરંતુ હું પૉલિટિક્સમાં આગળ વધવા તૈયાર છું.’

ગયા ઑગસ્ટમાં પણ ઍન્જલિનાએ પોતાના ચાહકોને સરપ્રાઇઝ આપતો નિર્ણય કરીને તેના લાંબા સમયના પ્રેમી હૉલીવુડના સ્ટાર બ્રૅડ પિટ સાથે મૅરેજ કરી લીધાં હતાં. છ બાળકોની માતા ઍન્જલિનાએ કહ્યું હતું કે મૅરેજ બાદ ખૂબ સુખદ અનૂભૂતિ થઈ રહી છે.