અમેરિકામાં સ્વાદના શોખીન ભારતીયોને સમોસા માટે ૨૭૫ રૂપિયા ચૂકવવા પડે છે

06 September, 2012 05:30 AM IST  | 

અમેરિકામાં સ્વાદના શોખીન ભારતીયોને સમોસા માટે ૨૭૫ રૂપિયા ચૂકવવા પડે છે

અમેરિકામાં વસતા ભારતીયો જે ચીજને સૌથી વધારે મિસ કરતા હોય છે એ છે સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ અને એટલે જ તેઓ તક મળે ઊંચી કિંમત ચૂકવીને પણ સ્વાદનો ચટાકો પૂરો કરતા હોય છે.

અમેરિકાના મિસુરી શહેરની નજીક આવેલા સેન્ટ લુઇમાં ભારતીય વાનગીઓ પીરસતી અડધો ડઝન જેટલી રેસ્ટોરાં છે જ્યાં દૂર-દૂરથી લોકો (એટલે કે ભારતીયો) આવતા હોય છે. ખાસ કરીને સમોસા, ગુલાબજાંબુ, ઈડલી સાંભાર, મસાલા ઢોસા જેવી ઇન્ડિયન વાનગીઓની ભારે ડિમાન્ડ હોય છે. અમેરિકામાં સમોસાની એક ડિશની પ્રાઇસ ૫.૫૦ ડૉલર (અંદાજે ૨૭૫ રૂપિયા) છે, જ્યારે ગુલાબજાંબુના બે પીસની કિંમત ૭.૫ ડૉલર (૩૮૫ રૂપિયા) છે.

ભારતની સરખામણીએ આ પ્રાઇસ ઊંચી હોવા છતાં પણ ભારતીય મૂળના લોકો દસ કિલોમીટર જેટલો પ્રવાસ કરીને સેન્ટ લુઇની રેસ્ટોરાંમાં આવતા હોય છે. સેન્ટ લુઇમાં ભારતીય વાનગીઓ પીરસતી નાની રેસ્ટોરાંના માલિકો મહિને ૫૦ હજારથી ૬૦ હજાર ડૉલર (અંદાજે ૨૭ લાખથી ૩૩ લાખ રૂપિયા) આસાનીથી કમાઈ લે છે. ડલાસ શહેરમાં આવી જ એક ઇન્ડિયન રેસ્ટોરાંના માલિક દયાકાંત રેડ્ડીએ કહ્યું હતું કે ખાસ કરીને વીક-એન્ડમાં મોટી સંખ્યામાં ભારતીયો આવતા હોય છે અને અગાઉ કરતાં ભારતીય વાનગીઓની ડિમાન્ડ અનેક ગણી વધી ગઈ છે.