ઇમરાન ખાનની હત્યા કરવા માટે કાવતરું રચાયું? 

06 June, 2022 09:58 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ઇસ્લામાબાદ હાઈ અલર્ટ પર

ફાઇલ તસવીર

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની હત્યા માટે કાવતરું રચવામાં આવ્યું હોવાની અફવાઓ વચ્ચે ઇસ્લામાબાદ પોલીસે શનિવારે રાત્રે જણાવ્યું હતું કે આ શહેરમાં સિક્યૉરિટી એજન્સીઓ હાઈ અલર્ટ પર છે.

ઇસ્લામાબાદમાં કલમ ૧૪૪ પહેલાંથી જ લાગુ કરવામાં આવી છે અને ટોળાં એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઇસ્લામાબાદ પોલીસે ટ્વીટ કર્યું હતું કે ‘પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અધ્યક્ષ ઇમરાન ખાનના ઇસ્લામાબાદના રેસિડેન્શિયલ એરિયા બની ગાલામાં સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને એ એરિયામાં સુરક્ષા વધારવામાં આવે છે. જોકે હજી સુધી ઇસ્લામાબાદ પોલીસને ઇમરાન ખાનની ટીમ પાછી ફરી રહી હોવાના કન્ફર્મ ન્યુઝ મળ્યા નથી.’

પોલીસે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ પોલીસ કાયદા અનુસાર ઇમરાન ખાનને સંપૂર્ણપણે સુરક્ષા પૂરી પાડશે અને ઇમરાન ખાનની સિક્યૉરિટી ટીમ્સ પાસેથી પણ એવા જ સહકારની અપેક્ષા છે.’
ઇમરાન ખાનના ભત્રીજા હાસન નિયાઝીએ કહ્યું હતું કે ‘જો અમારા નેતા ઇમરાન ખાનને કંઈ પણ થશે તો એને પાકિસ્તાન પર હુમલો ગણવામાં આવશે, જેનો રિસ્પૉન્સ આક્રમક રહેશે અને એના સૂત્રધારોને અફસોસ પણ થશે.’

આ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘સિક્યૉરિટી એજન્સીઓએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની હત્યા માટે કાવતરું રચાયું હોવાનાં ઇનપુટ્સ આપ્યાં છે. આ રિપોર્ટ્સ બાદ ઇમરાનની સિક્યૉરિટી વધારવામાં આવી છે.’

international news pakistan imran khan