ટ્રમ્પ સમર્થકોના તોફાનો વચ્ચે બાઇડન રાષ્ટ્રપતિ વિજેતા જાહેર

08 January, 2021 12:59 PM IST  |  Mumbai | Agencies

ટ્રમ્પ સમર્થકોના તોફાનો વચ્ચે બાઇડન રાષ્ટ્રપતિ વિજેતા જાહેર

એક તરફ સંસદમાં કાર્યવાહી ચાલુ હતી ત્યારે સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ટ્રમ્પના સમર્થકો. તસવીરો : એ.એફ.પી.

અમેરિકાના વૉશિંગ્ટનમાં ડોનલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હંગામો કર્યો હતો. સંસદ પરિસરમાં કરવામાં આવેલી બબાલમાં અત્યાર સુધીમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાંના સમાચાર છે.
આ ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે દુનિયાના સૌથી જૂના લોકતંત્ર એટલે કે અમેરિકાના સંસદ ભવનમાં આ પ્રકારનો હોબાળો થયો છે જે હિંસા સુધી પહોંચી ગયો. આ ટ્રમ્પ સમર્થકોના બળવા વચ્ચે અમેરિકન કૉન્ગ્રેસે ડેમોક્રૅટ ઉમેદવાર જો બાઇડનની જીત પર બંધારણીય મહોર મારી દીધી છે. કોન્ગ્રેસે ઇલેક્ટોરલ કૉલેજ કાઉન્ટિંગમાં બાઇડનને વિજેતા જાહેર કર્યા છે. બાઇડન ઉપરાંત કમલા હૅરિસને પણ ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવી છે. આ પહેલાં ટ્રમ્પના સમર્થકોએ કૅપિટલ હિલ બિલ્ડિંગમાં ઘૂસીને કાઉન્ટિંગની પ્રક્રિયાને રોકવા માટે હિંસા કરી હતી, જેમાં અત્યાર સુધીમાં ૪ લોકોનાં મોત થયાં છે. બાઇડનને વિજેતા જાહેર કરી ઉપરાષ્ટ્રપ્રમુખ પેન્સે કહ્યું કે હવે સૌએ પોતાના કામ પર પરત લાગી જવું જોઈએ.
હિંસાને જોતાં વૉશિંગ્ટનના મેયરે ૧૫ દિવસની ઇમર્જન્સીની જાહેરાત કરી છે. કાઉન્ટિંગ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદના બિલ્ડિંગ (કૅપિટલ હિલ)માં ઘૂસી ગયા હતા. આ દરમિયાન ગોળીબાર પણ થયો અને એમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાં છે. બુધવારે ઇલેક્ટોરલ કૉલેજના વોટોની ગણતરી અને બાઇડનની જીત પર મહોર લગાવવા માટે સંસદનાં બન્ને ગૃહો એટલે કે સેનેટ અને એચઓઆરની બેઠક શરૂ થઈ. આ દરમિયાન જ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના સેંકડો સમર્થકો સંસદની બહાર એકત્ર થયા. નૅશનલ ગાર્ડ્સ અને પોલીસ તેમને સમજાવે એ પહેલાં જ કેટલાક લોકો અંદર ઘૂસી ગયા હતા. મોટે પાયે તોડફોડ કરવામાં આવી હતી, હિંસા થઈ. આ દરમિયાન ગોળીબાર પણ થયો. કોણે કર્યો, કેમ કર્યો? એ સ્પષ્ટ નથી, પણ એક મહિલાનું મોત થઈ ગયું. અમેરિકન સંસદમાં જ્યારે ટ્રમ્પના સમર્થકોએ તોફાન મચાવ્યું અને તોડફોડ શરૂ કરી તો પોલીસે મોરચો સંભાળ્યો. હંગામો કરનારાઓને હટાવવા માટે સંસદમાં પોલીસ-કર્મચારી રિવૉલ્વર તાકતા નજરે પડ્યા. આ દરમિયાન સાંસદ સ્તબ્ધ હતા. તેમને ગૅલરી દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. બન્ને ગૃહમાં હંગામો કરનારાઓને કાઢી મુકાયા છે. હંગામા દરમિયાન સાંસદોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાયા હતા. તેઓ ફરી ગૃહમાં પહોંચ્યા. સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી. ઉપરાષ્ટ્રપતિ માસક પેન્સે કહ્યું, ‘આ અમેરિકન ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં.’

આખરે ટ્રમ્પે સ્વીકારી હાર, જો બાઇડનને વીસમીએ સોંપશે સત્તા

વિદાય લઈ રહેલા અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે જણાવ્યું હતું કે વીસમી જાન્યુઆરીએ જો બાઇડનને સુવ્યવસ્થિત રીતે સત્તા સોંપવામાં આવશે.
અમેરિકી કૉન્ગ્રેસના જૉઇન્ટ સેશને ત્રીજી નવેમ્બરની ચૂંટણીમાં જો બાઇડનને નવા પ્રમુખ અને કમલા હૅરિસને નવા ઉપપ્રમુખની જીતને પ્રમાણિત કર્યા બાદ થોડી જ મિનિટમાં ટ્રમ્પે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે ચૂંટણીના પરિણામથી હું સંતુષ્ટ નથી તેમ જ હું સત્તાથી દૂર થયો છું તેમ છતાં ૨૦ જાન્યુઆરીએ જો બાઇડનને સુવ્યવસ્થિત રીતે સત્તા સોંપી દેવામાં આવશે. ચૂંટણીના ખોટા દાવાઓને ફરીથી દોહરાવતાં તેમણે કહ્યું હતું કે અમેરિકાને ફરીથી મહાન બનાવવાની અમારી લડતની શરૂઆત છે.

સંસદ પર થયેલા હુમલા માટે ટ્રમ્પ છે જવાબદાર : અમેરિકી મીડિયા

જેમનાં દેશદ્રોહી નિવેદનોએ અમેરિકાની રાજધાનીમાં હિંસક હુમલાઓ કરાવ્યા તે ડોનલ્ડ ટ્રમ્પ જોખમી છે તથા સત્તા પર કાયમ રહેવા માટે અયોગ્ય હોવાથી તેમને દૂર કરવા જોઈએ, એવી ભારપૂર્વક માગણી કરતાં ડોનલ્ડ ટ્રમ્પ પર વ્યંગ કરતાં અમેરિકી મીડિયાએ કહ્યું હતું કે મહાભિયોગની કાર્યવાહી કે પછી ગુનાહિત કેસ ચલાવવા માટે ટ્રમ્પને જવાબદાર ઠરાવવા જોઈએ.
ન્યુ યૉર્ક ટાઇમ્સના તંત્રીલેખમાં કૅપિટલ હુમલા માટે ડોનલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા. તંત્રીલેખમાં વધુમાં જણાવાયું હતું કે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન કૉન્ગ્રેસ પાર્ટીના નેતાઓએ બુધવારે તેમના સમર્થકોને તેઓ જે સરકારનું નેતૃત્વ કરે છે અને જે રાષ્ટ્રને પ્રેમ કરે છે, તેની સામે હિંસક હુમલાઓ કરવા માટે ઊકસાવ્યા હતા. આ યોગ્ય નથી, તેમને દેશનું નુકસાન કરવાની પરવાનગી નથી.

international news united states of america