અમેરિકન નાગરિકોને એપ્રિલ સુધીમાં કોરોના વૅક્સિન મળી જશે : ડોનલ્ડ ટ્રમ્પ

15 November, 2020 11:51 AM IST  |  Washington | Agency

અમેરિકન નાગરિકોને એપ્રિલ સુધીમાં કોરોના વૅક્સિન મળી જશે : ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે એક ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકન નાગરિકો આવતા વર્ષે એપ્રિલ સુધીમાં કોરોના વૅક્સિન મેળવશે. હાલમાં પ્રમુખની ચૂંટણીનાં પરિણામો બાદ અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રેસિડન્ટનું આ પહેલું જાહેર ભાષણ છે.

ડ્રગ કંપની ફાઇઝરની કોરોના રસી વિશે નવીનતમ અપડેટ આપતી વખતે ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે કોવિડ-૧૯ રસી ૨૦૨૧ના એપ્રિલ સુધીમાં પૂર્ણ થવી જોઈએ. વાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી બોલતાં તેમણે કહ્યું, “થોડાં અઠવાડિયાંમાં, પ્રથમ રસી ફ્રન્ટલાઇન કામદારો, વૃદ્ધો અને ઉચ્ચ જોખમ ધરાવતા અમેરિકનોને આપવામાં આવશે. અમારા પ્રયત્નોને લીધે, દરેક નાગરિકને ફાઇઝરની કોરોના રસી મફત મળશે.

ટ્રમ્પના પ્રચાર વખતે ડ્યુટી કરનારા સીક્રેટ સર્વિસના ૧૩૦ અધિકારીઓ કોરોના સંક્રમિત

વાઇટ હાઉસ અને અમેરિકાના પ્રમુખના રક્ષણની જવાબદારી સંભાળનારા ૧૩૦ સીક્રેટ સર્વિસ ઑફિસર્સને ક્વૉરેન્ટિન અથવા આઈસોલેટ થવાની સૂચના આપવામાં આવી છે. કારણકે એ બધાના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અથવા એ ઑફિસર્સ ઇન્ફેક્ટેડ સહકાર્યકરો- વ્યક્તિ ઓના નિકટના સંપર્કમાં આવ્યા હતા. સીક્રેટ સર્વિસના ઑફિસર્સમાં કોરોના વાઇરસના પ્રસાર માટે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન પૂર્વે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રૂપે પ્રચારને પણ કારણભૂત ગણવામાં આવે છે. કોરોના રોગચાળાના સંદર્ભમાં વાઇટ હાઉસની સુરક્ષાની જવાબદારી સંભાળતી એજન્સીની કોર સિક્યોરીટી ટીમના ૧૦ ટકા સભ્યો ડ્યુટીથી બહાર હોવાનું અમેરિકન પ્રસાર માધ્યમો એ જણાવ્યું હતું.

ચૂંટણીમાં ગેરરીતિ મામલે ૧૦ કેસ નોંધાવાશે: અમેરિકાની રાષ્ટ્રપતિની ખુરશી બચાવવા માટે ટ્રમ્પનાં હવાતિયાં

જો બાઇડેન હવે પ્રેસિડન્ટ ઇલેક્ટ છે. ૨૦ જાન્યુઆરીના રોજ શપથ લેવાશે, પરંતુ આ તરફ ડોનલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. ક્યારેક વોટિંગ તો ક્યારેક મતોની ગણતરીને ખોટી બતાવીને તેઓ કેસ નોંધાવી રહ્યા છે. સોમવારે પેન્સિલ્વેનિયામાં અને બુધવારે મિશિગનમાં આ જ પ્રકારના કેસ દાખલ કરાવ્યા. સવાલ એ છે કે ટ્રમ્પ આખરે ક્યાં સુધી કાનૂની દાવપેચનો ઢાલ તરીકે ઉપયોગ કરીને વાઇટ હાઉસ પર કબજો જમાવી રાખશે.

‘ન્યુ યૉર્ક પોસ્ટ’ સાથેની વાતચીતમાં ટ્રમ્પના અંગત વકીલ અને ન્યુ યૉર્કના ભૂતપૂર્વ મેયર રૂડી ગુલિયાનીએ જણાવ્યું હતું કે અમે ૧૦ કેસ નોંધાવી શકીએ છીએ.

૧૮૮૭ના ઇલેક્ટોરલ કાઉન્ટ ઍક્ટ અનુસાર રાજ્યોએ ચૂંટણીલક્ષી મુકદ્દમાને ઇલેક્ટોરલ કૉલેજ મીટિંગના છ દિવસ પહેલાં સમાપ્ત કરવામાં આવે, એ સુનિશ્ચિત કરવાનું રહેશે. આ વખતે આ મીટિંગ ૮ ડિસેમ્બરે યોજાશે અર્થાત્ બે ડિસેમ્બર પહેલાં તમામ કેસ પર ચુકાદો આવી જવો જોઈએ.

ભૂતપૂર્વ ઇલેક્શન કમિશનર એડવે નોટી જણાવે છે કે ‘કેટલાંક રાજ્યોમાં પુનઃ ગણતરી ચાલી રહી હોય, તેમ છતાં મને લાગે છે કે ૮ ડિસેમ્બર સુધીમાં મામલા સમાપ્ત થવામાં કોઈ અડચણ ઊભી થશે નહીં. કોર્ટ પણ આ પ્રકારના કેસોની સુનાવણી ઝડપથી હાથ ધરે છે.’

donald trump united states of america washington international news coronavirus covid19