અમેરિકામાં હવે ગનના આતંક પર નિયંત્રણ રહેશે

25 June, 2022 11:49 AM IST  |  Washington | Agency

અમેરિકન સેનેટર્સે ગન હિંસાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક દ્વિપક્ષીય બિલને પસાર કર્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ગન હિંસા પર હવે અંકુશ લાગી શકે છે. અમેરિકન સેનેટર્સે ગુરુવારે મોડી સાંજે ગન હિંસાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક દ્વિપક્ષીય બિલને પસાર કર્યું હતું. તેમણે હથિયારો પર નવાં નિયંત્રણો તેમ જ મેન્ટલ હેલ્થ અને સ્કૂલોની સિક્યૉરિટી માટે અબજો ડૉલરનું ભંડોળ ખર્ચવાને મંજૂરી આપી છે.
આ સુધારાઓને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા મંજૂરી આપવામાં આવે એ લગભગ નક્કી જ છે. આ બિલમાં એ તમામ નિયમોનો ઉલ્લેખ નથી કે જેનો આગ્રહ પ્રેસિડન્ટ જો બાઇડન કરી રહ્યા છે, પરંતુ કૉન્ગ્રેસની ૩૦ વર્ષની નિષ્ક્રિયતા પછી એને જીવન રક્ષક સફળતા તરીકે બિરદાવવામાં આવ્યું છે.   
સેનેટ ડેમોક્રેટિક મૅજોરિટી લીડર ચક શુમેરે આ બિલ પસાર થયા બાદ કહ્યું હતું કે ‘અમેરિકન સેનેટે એવું કંઈક કર્યું છે કે જે થોડાં અઠવાડિયાં પહેલાં અશક્ય હોવાનું અનેક લોકો માનતા હતા. અમે લગભગ ૩૦ વર્ષમાં પ્રથમ નોંધપાત્ર ગન સેફ્ટી બિલને પસાર કરી રહ્યા છીએ.’
વાસ્તવમાં નોંધપાત્ર સફળતા એ છે કે બંને પાર્ટીઓના સેનેટર્સે અનેક અઠવાડિયાં સુધી વિવાદો ઉકેલવા અને વિગતો નક્કી કરવા માટે મહેનત કરી હતી.

આ બિલમાં શું છે?
 ધ બાઇપાર્ટિશન સેફર કમ્યુનિટીઝ ઍક્ટને તમામ ૫૦ ડેમોક્રેટિક સેનેટર્સ અને ૧૫ રિપબ્લિકન્સે સપોર્ટ આપ્યો છે.
 ૨૧ વર્ષથી ઓછી વયના હથિયારોના બાયર્સના બૅકગ્રાઉન્ડની તપાસ વધારવી.
 મેન્ટલ હેલ્થ માટે ૧૧ અબજ ડૉલર (૮૬૦.૮૩ અબજ રૂપિયા)નું ભંડોળ.
 સ્કૂલોની સેફ્ટી માટેના પ્રોગ્રામ માટે બે અબજ ડૉલર (૧૫૬.૫૨ અબજ રૂપિયા)નું ભંડોળ.
 આ બિલ જોખમ જણાતી વ્યક્તિઓ પાસેથી હથિયારો લઈ લેવા માટેના કાયદાનો અમલ કરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરે છે.

international news united states of america