અમેરિકામાં પ્રૉટેસ્ટર્સ દ્વારા ગાંધીજીની પ્રતિમાને નુકસાન

05 June, 2020 01:22 PM IST  |  Washington | Agencies

અમેરિકામાં પ્રૉટેસ્ટર્સ દ્વારા ગાંધીજીની પ્રતિમાને નુકસાન

ગાંધીજી

અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મોત બાદ પ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોએ રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું. બ્લૅકલિવ્સમૅટરના સમર્થક વૉશિંગ્ટનમાં સતત પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમ્યાન કેટલાંક અસામાજિક તત્ત્વોએ બાપુની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું. સૂત્રોના મતે વૉશિંગ્ટનની પોલીસે દોષી વ્યક્તિઓની વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. અમેરિકાએ આ મામલે ભારત સામે ખેદ વ્યકત કરતાં માફી માગી છે.

આ બધાની વચ્ચે અમેરિકામાં જ્યૉર્જ ફ્લૉઇડના મોતના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે. બીજી બાજુ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે રાજધાનીમાં નૅશનલ ગાર્ડના સૈનિકો અને પ્રવર્તન અધિકારીઓને મોટી સંખ્યામાં તહેનાત કરવાનો બુધવારનો શ્રેય લેતાં કહ્યું કે તેમણે રાજ્યોને રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનોને કચડવા માટે એક અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યું છે.

ડોનલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની વિરોધકોને સપોર્ટ આપે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની નાના દીકરી ટિફની ટ્રમ્પે આફ્રિકન-અમેરિકન અશ્વેત નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મોત મામલે પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યું છે. લૉ ગ્રેજ્યુએટ ટિફનીએ ઇન્સ્ટાગ્રામ પર જ્યૉર્જના મોત પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે એક બ્લૅક સ્ક્રીન પોસ્ટની સાથે હેલન કેલરનું ક્વૉટ લખ્યું છે - આપણે એકલા થોડું જ પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ એકસાથે આપણે બધુ જ હાંસલ કરી શકીએ છીએ.

ટિફનીએ આ પોસ્ટ વૉશિંગ્ટનસ્થિત વાઇટ હાઉસની બહાર પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર ટિયર ગૅસ છોડવાની ઘટના બાદ કરી છે. કેટલાક યુઝર્સ ટિફની પાસે માગણી કરી રહ્યા છે કે તેઓ તેમના પિતાને આ વિરોધ વિશે સમજાવે. તો કેટલાક યુઝર્સે ટિફનીની આ પોસ્ટનો વિરોધ પણ કર્યો છે. ટિફનીનાં માતા માર્લા મૈપલ્સ (ડોનલ્ડ ટ્રમ્પની બીજી પત્ની)એ પણ પ્રદર્શનકારીઓના સમર્થનમાં બ્લૅક સ્ક્રીન તસવીર પોસ્ટ કરી હતી.

united states of america washington international news mahatma gandhi