Bill Gates And Melinda Divorce:લગ્નના 27 વર્ષ પછી થયા અલગ, કહ્યું આ...

04 May, 2021 12:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બન્ને તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોતાના વૈવાહિક સંબંધ ખતમ કરી રહ્યા છે

બિલ ગેટ્સ અને તેની પત્ની મેલિંડા ગેટ્સ (તસવીર સૌજન્યઃ એએફપી)

વિશ્વની સૌથી મોટી સૉફ્ટવેર કંપની માઇક્રોસૉફ્ટ (Microsoft)ના કૉ ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates) અને તેની પત્ની મેલિંડા ગેટ્સે ડિવૉર્સ લેવાનો નિર્ણય લીધો છે. બિલ ગેટ્સ અને તેની પત્ની મેલિંડા ગેટ્સે પોતાના 27 વર્ષના લગ્નજીવનને ખતમ કરતા અલગ થવાનો નિર્ણય લીધો છે. બન્ને તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોતાના વૈવાહિક સંબંધ ખતમ કરી રહ્યા છે અને જીવનના આગામી પડાવમાં તે બન્ને સાથે નથી રહી શકતાં.

બિલ ગેટ્સ અને મેલિંડાએ આને લઇને એક નિવેદન જાહેર કર્યું છે. બિલ ગેટ્સે ટ્વિટર પર નિવેદન શૅર કર્યું છે જેમાં લખ્યું છે કે લાંબી વાતચીત અને પોતાના સંબંધો પર કામ કર્યા પછી અમે અમારા લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, અલગ થઈને પણ બન્ને વચ્ચે એક કડી હશે જે તેમને જોડી રાખશે. હકીકતે, બન્નેએ એ પણ જાહેર કર્યું છે ડિવૉર્સ પછી પણ તે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન માટે સાથે કામ કરતા રહેશે.

બન્નેએ પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક નિવેદન જાહેર કર્યું છે. ટ્વીટમાં લખ્યું છે, "અમારા સંબંધને લઈને ઘણું વિચારી અને તેને જાળવી રાખવાના પ્રયત્નો પછી અમે પોતાના લગ્નજીવનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 27 વર્ષમાં અમે ત્રણ સુંદર બાળકોનો ઉછેર કર્યો અને એક એવું ફાઉન્ડેશન બનાવ્યું જે વિશ્વભરમાં લોકોને એક સ્વસ્થ અને લાભદાયક જીવન આપી શકે. અમે બન્ને આ ફાઉન્ડેશન માટે આગળ પણ સાથે કામ કરતા રહીશું પણ પતિ પતત્ની તરીકે અમે જીવનના આવનારા પડાવમાં સાથે નહીં જીવી શકીએ. અમે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ, આથી લોકો પાસેથી અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઇવસી જાળવી રાખવાની આશા છે."

જણાવવાનું કે બિલ ગેટ્સ અને મેલિંડાના લગ્ન 1994માં થયા હતા. જો કે, તેમની પહેલી મુલાકાત વર્ષ 1987માં થઈ હતી. 27 વર્ષ લાંબા ચાલેલાં આ લગ્નજીવનના ખતમ થવાના સમાચારથી અનેક લોકો દંગ છે. બિલ ગેટ્સની ગણતરી વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં થાય છે. આ સિવાય તે પોતાના સમાજસેવી કાર્યો માટે પણ જાણીતા છે.

international news bill gates microsoft