પુતિનના વિરોધી ઍલેક્સી નવેલ્નીની ધરપકડ બાદ ભડકી ઊઠી જનતા

25 January, 2021 11:26 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

પુતિનના વિરોધી ઍલેક્સી નવેલ્નીની ધરપકડ બાદ ભડકી ઊઠી જનતા

મૉસ્કોમાં શનિવારે વિપક્ષના નેતા ઍલેક્સની નવેલ્નીના સમર્થનમાં અસંખ્ય લોકો ભેગા થયા હતા. (તસવીર: એ.એફ.પી.)

રશિયામાં પુતિન સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે, જેમાં લાખો લોકોએ ભાગ લીધો છે. વિપક્ષ નેતા ઍલેક્સી નવેલ્નીની ધરપકડના વિરોધમાં રશિયામાં ૧૦૦ શહેરોના લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. પોલીસે પણ પ્રદર્શનકારીઓ પર સખત કાર્યવાહી કરતાં ૩૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. નવેલ્નીની પત્ની યુલિયાની પણ પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, મૉસ્કોમાં પોલીસ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરતી જોવા મળી રહી છે. ૧૭ જાન્યુઆરીએ વિપક્ષ નેતા ઍલેક્સી નવેલ્નીની ધરપકડ કરવામાં આવી હતી. નવેલ્ની પુતિનના કટ્ટર આલોચક તરીકે ઓળખાય છે. ઑગસ્ટ ૨૦૨૦માં રશિયામાં નવેલ્નીને ઝેર આપવામાં આવ્યું હતુ, જે બાદ તેઓ જર્મની આવી ગયા હતા. બર્લિનથી મૉસ્કો પહોંચવા સાથે જ તેમની અટકાયત કરવામાં આવી. નવેલ્નીને પેરોલની શરતોનો ભંગ કરવા મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે. જોકે નવેલ્નીનું કહેવું છે કે તેમને ચૂપ કરાવવા માટે કાવતરું ઘડવામાં આવ્યું છે. જે સમયે હજારો સ્મર્થક વિરોધ કરી રહ્યા હતા ત્યારે ત્યાંનું તાપમાન માઇનસ ૫૦ ડિગ્રીની આસપાસ હતું. આટલી ઠંડી છતાં પ્રદર્શનકારી ત્યાં અડગ રહ્યા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો લોકોએ બરફના ગોળા વડે પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન પોલીસે હજારો પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી. પોલીસ દ્વારા નવલ્નીના પ્રવક્તા અને વકીલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાનાં ઓછાંમાં ઓછાં ૬૦ શહેરોમાં ઍલેક્સી નવેલ્નીના સમર્થનમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે જહર ખુરાની બાદ મોતની જંગ જીતીને વતન પરત ફરેલા નવલ્નીની મૉસ્કો ઍરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવી હતી.

international news russia